રાજપર, રવાપર અને નારણકામાં પારિવારિક સભ્યો વચ્ચે ચૂંટણી મેદાનમાં

- text


અનેક ગામોમાં સભ્યપદ માટે પણ કાકા, બાપા અને મામા, ફઈના ભાઈઓ, બહેનો વચ્ચે સીધી જ ટક્કર

મોરબી : આગામી તા.19ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ગ્રામીણ રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે ત્યારે મોરબી જિલ્લાના ત્રણ ગામો એવા છે ત્યાં એક જ કુટુંબના સભ્યો, મામા ફઈના સંતાનો તો ક્યાંક એક જ પેઢીના સભ્યો વચ્ચે જંગ છેડાયો હોવાથી મતદારો અને ખાસ કરીને નજીકના સગા હોય એવા લોકો કોને મત આપવો તેની મૂંઝવણમાં મુકાયા છે.

ગ્રામ પંચાયતના ચૂંટણીજંગ નહિ પણ પરિવાર માટે પ્રતિષ્ઠાનો જંગ હોય તેવા આ ચૂંટણી જંગની વિગત જોઈએ તો મોરબી શહેરની ભાગોળે આવેલ રવાપરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે નીતિનભાઈ રૂગનાથભાઈ ભટાસણા અને નિલેશભાઈ કાલરીયા કે જે બન્ને મામા ફોઈના ભાઈઓ થાય છે તેમના વચ્ચે જંગ છે ઉપરાંત જગદીશ ભગવાનજી અઘારા અને ધર્મેન્દ્રભાઈ અઘારા કે, જે બન્ને કૌટુંબિક ભાઈઓ છે તેઓએ પણ સરપંચ પદ માટે ઝુકાવતા રવાપરા ગામમાં કૌટુંબિક સભ્યો વચ્ચે જંગ બરાબરનો જામ્યો છે.

એ જ રીતે રાજપર ગામમાં ત્રીજી કે ચોથી પેઢીએ ભાઈઓ થતા કરમશીભાઈ મારવાણિયા, ભરતભાઈ રામજીભાઈ મારવાણિયા અને નવીનભાઈ મારવાણિયા વચ્ચે સરપંચ પદ માટે ચૂંટણી જંગ બરાબરનો જામ્યો હોય નજીકના સગાઓને કોને મત આપવો તેની ચિંતા સતાવી રહી છે.

- text

દરમિયાન મોરબીના નારણકા ગામમાં દેરાણી-જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે ચુંટણી જંગ જામ્યો છે. નારણકા ગામની ગ્રામ પંચાયતમાં સરપંચ પદ અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત સીટ હોવાથી એક જ પરિવારના ચંપાબેન કાનજીભાઈ બોખાણી, અમરતબેન ધનજીભાઈ બોખાણી, ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે વોર્ડ નં.5માં સભ્ય પદ માટે કાકા-બાપાના દિકરા જયેશ કાનજીભાઈ બોખાણી તથા જયેશ ધનજીભાઈ બોખાણીએ ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, નારણકા ગામે અનુસૂચિત જાતિ સમાજમાં બોખાણી પરિવારના 10 ઘર જ આવેલ છે. તેમાં પણ 3 સરપંચ તરીકે અને વોર્ડ.5 માં 2 સભ્ય તરીકે મળીને 5 ફોર્મ ભરાયા છે. સમગ્ર પંથકમાં પારિવારિક રાજકારણના કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text