ડે સ્પેશિઅલ : માનવીના હિતને કાયદા થકી સુરક્ષિત રાખવું એટલે માનવ અધિકાર!

- text


10 ડિસેમ્બર : આજે વિશ્વ માનવ અધિકાર દિવસ

માનવ અધિકાર અંગે પ્રથમ લેખિત દસ્તાવેજ ‘મેગ્નાકાર્ટા’ને ગણી શકાય

સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ માનવ અધિકાર દિવસ’ની ઉજવણી તા. 10 ડિસેમ્‍બરના રોજ ઉજવણી કરવામાં આવે છે. ‘માનવ અધિકાર’ શબ્‍દનો અર્થ સમજતા પહેલા અધિકાર શબ્‍દને સમજવો જરૂરી છે. અધિકાર એટલે માનવીનું હિત કે જે કાયદા દ્વારા માનવીના હિતને સુરક્ષીત રાખવામાં આવેલું છે. દરેક માનવી મુળભુત રીતે જે અધિકારો સાથે જન્‍મે છે અને જીવનપર્યત જે અધિકારોને કોઇપણ જાતની અડચણ વગર મુક્‍ત રીતે ભોગવી શકે તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય. માનવી પોતાનું જીવન જીજીવિશા સાથે જીવી શકે તે માટે પ્રત્‍યેક માનવીના પોતાના અધિકારો જરૂરી પણ છે અને અનિવાર્ય પણ.

માનવ અધિકારોના ખ્યાલનો ઉદ્ભવ

સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના ખ્‍યાલનો વિકાસ અને ઉદભવ 13મી સદીમાં ઈંગ્લેન્ડમાં બનાવાયેલ લેખીત દસ્‍તાવેજ ‘મેગ્નાકાર્ટા’ને ગણી શકાય. માનવીને માનવી હોવાના કારણે જે અધિકારો પ્રાપ્‍ત થવા જોઇએ, તેવા તમામ કુદરતી અધિકારો ‘મેગ્નાકાર્ટા’ દસ્‍તાવેજથી ઇગ્‍લેંડની પ્રજાને આપવામાં આવેલ હતા.

ઇ.સ. 1914થી 1919ના પ્રથમ વિશ્વયુધ્‍ધ સમયે માનવ અધિકારોનો વૈશ્વીક કાયદો બનાવવા વિશે વૈશ્વીક સ્‍તરે ચર્ચાઓ શરૂ થઇ હતી. પરંતુ આ સમયગાળા દરમ્‍યાન માનવ અધિકારો વિશેનો કાયદો બનાવવામાં સફળતા પ્રાપ્‍ત ન થવાથી તે ખ્‍યાલ વિશેનો સર્વસંમતિથી કાયદો બનાવી શકાયેલ ન હતો. જેની ફલશ્રુતીરૂપે સમગ્ર વિશ્વના તમામ દેશોને વિશ્વયુધ્‍ધના માઠા પરિણામો ભોગવવા પડેલ. ઇ.સ. 1945માં વૈશ્વીક સ્‍તરે માનવીને માનવી તરીકે મળતા અધિકારો અંગે સૌપ્રથમ વખત ‘માનવ અધિકાર’ શબ્‍દોનો પ્રયોગ કરવામાં આવેલો.

સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ અર્થે યુનો દ્વારા સૌપ્રથમ વખત યુર્નિવર્સલ ડિકલેરેશન ઓફ હ્મુમન રાઇટસ (યુ.ડી.એચ.આર.) નામનો દસ્‍તાવેજ બનાવવામાં આવેલો હતો. આ ઘોષણાપત્રમાં જણાવ્‍યું કે તમામ માનવીઓ તેમના અધિકારો અને ગૌરવ બાબતમાં જન્‍મથી સમાન છે અને તમામને કોઇપણ જાત કાળા-ગોરા (રંગ), વર્ણ, જાતી (સ્ત્રી-પુરૂષ), ભાષા, ધર્મ, રાજકીય કે અન્‍ય વિચારો, રાષ્ટ્રીય કે સામાજીક મુળ (વતન), મિલકત, જન્‍મ, કોઇ હોદ્દાના તફાવતો વિના તમામ અધિકારો અને સ્‍વાતંત્રતાઓ પ્રાપ્‍ત થાય છે.

- text

માનવ અધિકારોના ભંગ બદલ ફરિયાદ ક્યાં કરી શકાય?

ભારતીય બંધારણમાં અપાયેલ માનવ અધિકારો દરેક વ્‍યક્‍તિને માત્રને માત્ર સરકાર વિરૂધ્‍ધ જ પ્રાપ્‍ત થતાં હોવાથી માનવ અધિકારોના ભંગ બદલ રાજ્‍યસેવક વિરૂધ્‍ધ જ ફરિયાદ કરી શકાય છે. માનવ અધિકાર ભંગની ફરિયાદ વ્‍યક્‍તિ-વ્‍યક્‍તિ વિરૂધ્‍ધ દાખલ કરી શકાતી નથી. માનવ અધિકારોના ભંગના કિસ્‍સાઓમાં કોર્ટમાં જ ફરિયાદ કરી શકાય છે, પરંતુ તેના સિવાય પણ જેમ કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એન.એચ.આર.સી.) તેમજ રાજ્‍ય માનવ અધિકાર આયોગ સમક્ષ પણ લેખીત ફરીયાદ કરીને પણ આગળની જરૂરી કાર્યવાહી કરી શકાય છે.

આ ઉપરાંત, મહિલાઓ પોતાના માનવ અધિકાર ભંગની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્‍ય મહિલા આયોગને પોતાની ફરિયાદો કરી શકે છે. તેમજ અનુસુચિત જાતી અને અનુસુચિત આદિજાતીના લોકો રાષ્‍ટ્રીય અનુસુચિત જાતી અને અનુસુચિત જાતી આયોગ સમક્ષ ફરિયાદ કરી તેના માનવ અધિકારોના ભંગ બદલ વળતર પ્રાપ્‍ત કરી શકે છે.

વર્તમાન સમયમાં જો મુક્‍તપણે આપણે માનવ અધિકારો ભોગવવા માંગતા હોઇએ તો આપણે પણ બીજાના માનવ અધિકારોને માન-સન્‍માન આપતા શીખવું જ પડશે અને ત્‍યારે જ આપણે આપણાં અધિકારોનો વધુમાં વધુ સારી રીતે ઉપભોગ કરી શકીશું અને સમાજના તમામ વ્‍યક્‍તિને તેના માનવ અધિકારોની જાળવણી કરવામાં મદદરૂપ થઇ શકીશું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text