સોલાર વોટર પંપ સિસ્ટમ સબસીડી યોજના વધુ ત્રણ વર્ષ લંબાવવા અગરિયાઓની માંગ

- text


 

હળવદના ટીકર ગામે અગરિયાઓનું સંમેલન મળ્યું : રણમાંથી બહાર કાઢવાના વિરોધી તત્વોના પેંતરા સામે આક્રોશ

હળવદ: હળવદ તાલુકાના ટીકર ગામે અગરિયાઓનું સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં સરકાર સમક્ષ સોલાર વોટર પંપ સિસ્ટમ સબસીડી યોજના વધુ ત્રણ વર્ષ લંબાવવા માંગ કરાઈ હતી.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને અગરિયાઓનું સંમેલન મળ્યું હતું.આ સંમેલનમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી બની બેઠેલા બે ત્રણ આગેવાનો દ્વારા અગરિયા વિરોધી પ્રચાર કરી સરકાર અને અગરિયાઓને સોલાર સિસ્ટમ યોજના અને રણમાં મીઠું પકવવાના સમુદાયના અધિકારો અંગે ગેરસમજ ફેલાવતો દુષ્પ્રચાર ઇરાદાપૂર્વક કરી અગરિયાઓને રણમાંથી બહાર કાઢવાના પેંતરા કરવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપ સાથે અગરિયાઓએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.

- text

સરકાર દ્વારા સોલાર વોટર પંપ સિસ્ટમ સબસીડી યોજના અમલમાં હોય જે આ અગરિયાઓ માટે અનેકગણી રાહતરૂપ છે. આ યોજનાને ચાર વર્ષ પુરા થયા હોય જે સમયગાળો ઓછો હોય ત્યારે આ યોજનાનો સમયગાળો વધુ ત્રણ વર્ષ લંબાવવા અગરીયાઓએ સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે.આ ઉપરાંત યોજનાના માપદંડમાં વ્યાજબી છૂટછાટ આપવા પણ માંગ ઉઠાવી હતી. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ અધ્યક્ષ સ્થાનેથી અગરિયાઓ વતી સરકારમાં રજૂઆત કરવાની તથા સમસ્યાઓનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી. આસપાસના ગામોના સરપંચ તથા અન્ય સામાજિક અગ્રણીઓએ પણ આ પ્રસંગે અગરિયાઓની સાથે રહી તેમને ટેકો જાહેર કર્યો હતો.

- text