મોરબી જિલ્લામાં 9502 ખેડૂતોમાંથી ફક્ત 793 ખેડૂતોએ જ ટેકાના ભાવે મગફળી વહેંચી

- text


સૌથી વધુ હળવદ તાલુકાના 406 ખેડૂતોએ અને સૌથી ઓછા વાંકાનેર તાલુકામાંથી 24 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વહેંચી

મોરબી : ઓણસાલ અનિયમિત વરસાદ વચ્ચે માવઠાનો માર સહન કરનાર મોરબી જિલ્લાના ખેડૂતોએ સરકારી ટેકાના ભાવે મગફળી વહેંચવાને બદલે ખુલ્લા બજારમાં રોકડીયા પાકની રોકડી કરી હોવાનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. ચોંકાવનારી બાબત તો એ છે કે 9502 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વહેંચવા રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ 10 ટકાથી પણ ઓછો એટલે કે ફક્ત 793 ખેડૂતોએ જ ટેકાના ભાવે મગફળી વહેંચી હતી જે પૈકી 495 ખેડૂતોના પૈસા હજુ સરકાર પાસે લેણાં નીકળે છે.

ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા સરકારને પાછા ખેંચવા પડ્યા છે અને ખેડૂતો એમએસપી એટલે કે દરેક ખેત પેદાશના લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવાના કાયદાની જીદ લઈને બેઠા છે ત્યારે મોરબી જિલ્લામાં ટેકાથી વિપરીત ખુલ્લા બજારમાં પોતાની જણસ વહેંચી વહેલા રોકડા કરવાનો ટ્રેન્ડ આ વર્ષે જોવા મળ્યો છે. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદ કરવા જાહેરાત કરતા મોરબી જિલ્લાના 9502 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી ફક્ત 793 ખેડૂતોએ જ રૂપિયા 1100 પ્રતિમણના ભાવે પોતાની મગફળી સરકારના ટેકાના ભાવે વહેંચી હતી.

બીજી તરફ સરકારના ટેકાની તુલનાએ ખુલ્લા બજારમાં ખેડૂતોને પોતાની મગફળીના સારા ભાવ મળવાની સાથે રોકડા નાણાં મળતા હોવાથી સરકારી તંત્ર દ્વારા 8262 ખેડૂતોને એસએમએસ મોકલી મગફળી લઈ આવવા ઇજન આપવા છતાં ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા ન હતા અને કુલ મળી 793 ખેડૂતો પાસેથી સરકારે રૂ.5 કરોડ 79 લાખ 56 હજાર 985ની 10442.7 કવીન્ટલ મગફળી ખરીદી સંતોષ માનવો પડ્યો હતો. જેમાં સૌથી વધુ હળવદના 406 ખેડૂતો અને સૌથી ઓછા વાંકાનેર તાલુકાના ફક્ત 24 ખેડૂતોનો સમાવેશ થાય છે.

મોરબી જિલ્લામાં ટેકાના ભાવનું ચિત્ર

- text

તાલુકો………… ખેડૂતોનુ રજીસ્ટ્રેશન…..મગફળી વેચનાર ખેડૂતોની સંખ્યા….પેમેન્ટ કરાયેલ ખેડૂતોની સંખ્યા

ટંકારા…………………. 5424…………………….246……………………………………..197
મોરબી -માળીયા…….1773……………………..63…………………………………………52
વાંકાનેર ………………342……………………….24…………………………………………23
હળવદ ……………….1963………………………406……………………………………..223


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text