મોરબીની એલ.ઇ. કોલેજની ઐતિહાસિક ઇમારતને હેરીટેજ જાહેર કરવા માંગ

- text


સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખે મુખ્યમંત્રીને રજુઆત કરી

મોરબી : મોરબી મુકામે આવેલ લખધીરજી એન્જીનીયરીંગ કોલેજના જુના એતિહાસિક બિલ્ડીંગ કે જે એક વિરાસત છે તેને હેરીટેજ સાઈટ જાહેર કરીને સાચવવાની માંગ સાથે સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે.ડી.બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વિગતવાર રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં આવેલી એન્જીનીયરીંગ કોલેજ સમગ્ર દેશની પ્રથમ દસ કોલેજો માહેની એક છે. ૧૯૫૧ની સાલમાં અહી કોલેજ ચાલુ કરવા માટે તે સમયના મોરબીના મહારાજએ પોતાના જુના મહેલના તમામ મકાનો દાનમાં આપેલા અને આમ એક વૈભવી અને એતિહાસિક મહેલના ઓરડામાં એન્જીનીયરીંગ કોલેજ ચાલુ કરવી હતી.

આ એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરીને કેટલાય વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી બનાવી છે અને તેમના કેટલાયે ગુજરાત સરકાર તેમજ અન્ય રાજ્યોમાં અને કેન્દ્ર સરકારમાં ઉચ્ચ હોદાઓ પર પણ સેવા આપેલ છે. તેમજ હજુ પણ આ ક્રમ ચાલુ છે. આ કોલેજમાં અભ્યાસ કર્યાં બાદ ઘણા લોકો વિદેશમાં પણ ઉચ્ચ હોદાઓ પર આજે પણ પોતાની સેવા આપીને આ કોલેજ તેમજ ગુજરાત રાજ્ય તેમજ દેશને ગૌરવ અપાવી રહ્યા છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી આવીને પણ આ કોલેજમાં અભ્યાસ કરીને કેટલાક વિદ્યાર્થીઓએ પણ પોતાની કારકિર્દી બનાવી છે.હાલમાં પણ આ કોલેજમાં જુદા જુદા અભ્યાસ ક્રમોમાં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજનું આ પેલેસ બિલ્ડીંગ એક અભૂતપૂર્વ અને આગવો ઈતિહાસ ધરાવે છે. આ પેલેસ વુડન ( લાકડાના ) સ્ટ્રક્ચરમાંથી બનેલ છે. જે ભારતમાં એક યુનિક નજરાણું છે. એ જમાનામાં વિદેશથી નિષ્ણાતોને બોલાવી તેઓના માર્ગદર્શન પ્રમાણે બનાવેલ આ મહેલ છે. જેને જાળવવું જરૂરી છે. તત્કાલીન મહારાજાની દીર્ઘ દ્રષ્ટિ અને શિક્ષણ પ્રત્યેની તેઓની ઉચ્ચ્ભાવનાનો આ જીવતો જાગતો નમુનો કહેવાય. વર્ષ ૧૯૫૧થી આ કોલેજમાં અભ્યાસ કરીને ગયેલા દરેક એન્જીનીયરો માટે પોતાની કોલેજનું આ એક અવિસ્મરણીય સભારણું છે. એક યાત્રાધામ જેવું પવિત્ર સરસ્વતી મંદિર સમાન છે. માત્ર મોરબી જ નહી પણ ગુજરાત માટે પણ આં કોલેજ ગૌરવ સમાન છે. ગુજરાત દેશના તમામ ક્ષેત્ર આગળ છે. ત્યારે આવા અગત્યના મોન્યુમેન્ટની જાળવણી થાય તે અંત્યંત જરૂરી છે. આ એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરીને ગયેલા દરેક વિદ્યાર્થી સ્વેચ્છિક રીતે જોડાઈ શકે એવું એક ગ્રુપ બનાવેલ છે.આ સંસ્થા વતી આ વિરાસતને હેરીટેજ જાહેર કરવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

વધુમાં જણાવ્યું હતું કે, જર્જરિત હાલતને લીધે હવે આ કોલેજના જુના ઓરડાઓમાં અભ્યાસનું કામ કરવામાં આવતું નથી. હવેના સમયમાં આવું બિલ્ડીંગ ફરીવાર બનાવવું ખુબજ કઠીન છે. એટેલે આ કોલેજની ઈમારતો હેરીટેજ સાઈટમાં સમાવવામાં આવે તે જરૂરી છે.આ કામો માટે ઘણા ઇજનેરો પોતાનાથી થતો ટેકનીકલ સહયોગ આપવા માટે પણ તૈયાર છે.સાથેસાથે મોરબીમાં અન્ય ઘણી જગ્યા અને વિરાસતને હેરીટેઈજ જાહેર કરેલ છે. ત્યારે આ કોલેજોની ઈમારતોને પણ હેરીટેજ સાઈટ જાહેર કરવામાં આવે. અને ઉપરોક્ત હકીકત જોતા આ ઈમારતોનું તાત્કાલિક વહેલી તકે મરામત કામ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવા માટેની માંગ કરી છે.

આ ઉપરાંત મોરબીમાં ઘણી અન્ય જુના નજરાણા સમાન વિરાસતો આવેલી છે. જેવી કે મણીમંદિર , જુલતોપુલ, દરબારગઢ , તેમજ અન્ય સાઈટો આવેલી છે. તેમાં આનાથી એક સાઈટનો વધારો થશે અને મોરબીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં પણ મદદ મળશે. મોરબી એક સિરામિક નગરીની સાથે પર્યટન નગરી પણ કહેવાશે તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text