કુબેરની વાવ, દરબાર ગઢનો શિલાલેખ… મોરબીમાં છે સાત-સાત અજાયબી જેવા સ્મારકો

- text


હળવદના સ્મશાન નજીક આવેલા પાળિયા, જડેશ્વરના શિલાલેખ સહિતના પુરાતન ખજાનાની પરિસ્થિતિનો ચિતાર મેળવવા ખાસ અધિકારીનો મોરબીમાં મુકામ

મોરબી : મોરબી જિલ્લામાં કુબેરની વાવ, દરબાર ગઢનો તામ્રપત્ર ઉપર લખાયેલ શિલાલેખ, હળવદ સ્મશાન નજીક આવેલા પાળિયા જેવા એક,બે, નહીં પરંતુ સાત-સાત અજાયબી જેવા સાત પુરાતન સ્મારકો આવેલા છે, પરંતુ લોકજાગૃતિ અને સ્થાનિક તંત્રના રખરખાવના અભાવે ખજાના સમાન આવા પુરાતન સ્મારકોની માઠી દશા બેઠી છે. જો કે, રાજય સરકાર દ્વારા હાલ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લાના આ સાતેય સ્મારકોની પ્રવર્તમાન સ્થિતિ અને સઘન સફાઈ માટે ખાસ અધિકારીને મોરબી જિલ્લાની વિશેષ જવાબદારી સુપરત કરી છે.

સમૃદ્ધ ગુજરાત રાજ્યમાં રાજાશાહી સમયનો અદભુત અને અઢળક કહી શકાય તેવો પૌરાણિક વારસો ભેટ મળ્યો છે.રાજ્યના પુરાતત્વ વિભાગના સતાવર આંકડા મુજબ રાજ્યભરમાં હાલમાં 384 સ્મારકોને રક્ષિત જાહેર કરવામાં આવ્યા છે અને આ પુરાતન વારસો પોતાની મૂળ સ્થિતિમાં જળવાઈ રહે તે માટે પુરાતત્વ વિભાગ દ્વારા જાળવણી માટેના પ્રયાસો પણ થઇ રહ્યા છે. જે અન્વયે હાલમાં મોરબી જિલ્લામાં આવેલા એક, બે નહીં પરંતુ આવા સાત પુરાતન સ્મારકોની સ્થિતિની જાણકારી મેળવવા માટે બરોડા મ્યુઝિયમના ચીફ ક્યુરેટર અને ઐતિહાસિક સ્મારકોની મરામત અને જીર્ણોદ્ધારના કામમાં સંકળાયેલ ડો.યજ્ઞેશ દવેને વિશેષ ફરજ માટે મોરબી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.

ડો.યજ્ઞેશ દવેના જણાવ્યા મુજબ હાલમાં મોરબી જિલ્લામાં પુરાતત્વ વિભાગમાં કુલ સાત સ્મારકો રજીસ્ટર્ડ થયેલા છે જેમાં મોરબી કુબેરનાથ મંદિર પાસે આવેલી કુબેર વાવ, દરબાર ગઢમાં આવેલ તામ્રપત્ર ઉપર લખાયેલ શિલાલેખ, સુંદરી ભવાનીમાં આવેલ સ્મારક, સરવડની વાવ, જડેશ્વરમાં આવેલ શિલાલેખ, હળવદ સ્મશાન નજીક આવેલા પાળિયા, હળવદમાં આવેલ વીરજી વોરા અને મલા કાજીના નામે ઓળખાતી વાવ અને શરણેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.

વધુમાં ડો.યજ્ઞેશ દવેએ ઉમેર્યું હતું કે, મોરબી જિલ્લામાં આવેલા તમામ રક્ષિત પૌરાણિક સ્મારકોની હાલમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘનિષ્ઠ સફાઈ કરાવવાની સાથો-સાથ આ સ્મારકોની સ્થિતિ અંગે સરકારને રિપોર્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પુરાતન સ્મારકોની જાળવણી અને રખરખાવ માટે હાલમાં સામાજિક સંસ્થાઓ ઉપરાંત ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત અને નગર પાલિકાની મદદ લેવામાં આવશે.

જો કે, એક વાત તો નિશ્ચિત છે કે, લોકજાગૃતિના અભાવે હાલમાં આવા પૌરાણિક સ્મારકોની સ્થિતિ જીર્ણશીર્ણ થતી જાય છે ત્યારે પુરાતત્વ વિભાગ પણ સમયાંતરે શાળા-કોલેજના નવી પેઢીના વિદ્યાર્થીઓ સુધી પૌરાણિક વારસો જળવાઈ રહે તે માટે રૂબરૂ મુલાકાતો ગોઠવી આવા સ્મારકોની વર્ષે,બે વર્ષે નહીં પરંતુ કાયમી જાળવણી કરવા પ્રયાસ કરશે તો જ અજાયબી સમાન આવા સ્મારકો બચી શકશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text