મોરબી-વાંકાનેર વચ્ચે રેલવેબાબુઓ કટાણે ડેમુ ટ્રેન દોડાવતા ટ્રાફિક ઘટ્યો

- text


ડેમુ ટ્રેનના ભાડામાં 200 ટકાનો તોતિંગ ભાવ વધારો કરાતા મુસાફરોએ બાબાગાડીને બાય-બાય કર્યું

મોરબી : કોરોના મહામારીના લાંબા અંતરાલ બાદ પશ્ચિમ રેલવે દ્વારા મોટા ઉપાડે મોરબી – રાજકોટ વચ્ચે ડેમુ ટ્રેન શરૂ કરી છે. પરંતુ ભાડામાં ચૂપચાપ 200 ટકાનો વધારો કરી લાંબા અંતરની ટ્રેનો સાથે લિંકઅપ કરતા ડેમુ રૂટને બદલે સમ ખાવા પૂરતો એક જ રૂટ શરૂ કરતાં ડેમુ ખાલી ખમ્મ દોડી રહી છે.

વાંકાનેર જંકશનથી લાંબા અંતરની ટ્રેન સાથે લિંકઅપ મળી રહે ઉપરાંત વાંકાનેર અને મોરબી વચ્ચે આવેલા સીરામીક એકમોમાં અપડાઉન કરતા શ્રમિકો માટે અગાઉ વાંકાનેર અને મોરબી વચ્ચે દિવસભરમાં આઠથી દસ ડેમુ રૂટ દોડતા હતા અને આ ડેમુ ટ્રેનમાં પૂરતો ટ્રાફિક પણ મળતો હતો. પરંતુ કોરોના મહામારીને કારણે આ ટ્રેન રૂટ રદ કરાયા હતા.

દરમિયાન 3જી સપ્ટેમ્બરથી એસી ચેમ્બરમાં બેસતા રેલવે બાબુઓએ કશું વિચાર્યા વગર માત્ર સવારે વાંકાનેરથી અને બપોરે મોરબીથી એક માત્ર ડેમુ રૂટ ચાલુ કરતા કોઈને પણ ઉપયોગી ન થાય તેવા કટાણે દોડતી આ ડેમુ ટ્રેન હાલમાં ખાલી-ખાલી દોડી રહી છે.

- text

બીજી તરફ ડેમુ ટ્રેનમાં અગાઉ મોરબી વાંકાનેર વચ્ચેનું ભાડું રૂ.10થી વધારી રૂ.30 કરી નાખવામાં આવતા ત્રણ ગણા ભાડા વધારાથી લોકો નારાજ થયા છે અને આટલા ભાડામાં ઈચ્છા અનુસાર એસટી બસ પણ મળતી હોય લોકોએ ડેમુને બાય-બાય કર્યું છે. એ જ રીતે લાંબા અંતરની લિંકઅપ ટ્રેન સાથેનો તાલમેલ પણ તૂટતા એકંદરે રેલવેની ડેમુ નામ માત્ર દોડી રહી છે. આ સંજોગોમાં ભાડા ઘટાડી જુના રૂટ મુજબ ડેમુ દોડવવામાં આવે તો જ મુસાફરોને ફાયદો મળે તેમ હોવાનું પેસેન્જરો જણાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text