મોરબી જિલ્લામાં ધમધમતા બાયોડિઝલના હાટડા 8 દિવસમાં બંધ કરાવવા તંત્રને અલ્ટીમેટમ

- text


ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા બાયોડિઝલ બનાવતા કારખાનાના સરનામાં સાથે જિલ્લા કલેકટર અને એસ.પી.ને રજુઆત

મોરબી : મોરબી જિલ્લામાં અંદાજે 100 જેટલા બાયોડિઝલના પંપ ગેરકાયદે ધમધમી રહ્યા હોવાનો ભગતસિંહ ક્રાંતિ દળે ધડાકો કર્યો છે. આ સાથે તેઓએ  બાયોડિઝલ બનાવતા કારખાનાના સરનામાં સાથે કલેકટર અને એસપીને રજુઆત કરી આઠ દિવસમાં તેને બંધ કરાવવાનું અલ્ટીમેટમ પણ આપ્યું છે.

ભગતસિંહ ક્રાંતિ દળે કલેકટર અને એસપીને રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં ગેરકાયદે બેફામ કેમિકલયુક્ત બાયોડિઝલ બનાવવાનું અને વેચવાનું કારસ્તાન ચાલે છે. જેમ સ્થાનિક આગેવાનો અને પોલીસ પણ સંડોવાયેલ છે. આ કેમીકલયુક્ત બાયોડિઝલના વેચાણ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવેલ છે. અન્ય જિલ્લાઓમાં પણ તેનું વેચાણ બંધ છે. આ કેમિકલયુક્ત બાયોડિઝલના કારણે પર્યાવરણ અને વાહનોને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. છતાં પણ મોરબી જિલ્લામાં લગભગ 100થી વધુ કેમિકલ યુક્ત બાયોડિઝલના પંપ ચાલુ છે. આ કેમિકલયુક્ત બાયોડિઝલનું વેચાણ ગેરકાયદે છે. જો મોરબીમાં તેનું વેચાણ થતું હોય અને તે વાપરવા લાયક હોય તો બધી જગ્યાએ તે વેચવાની પરવાનગી આપવામાં આવે નહિતર તેનું વેચાણ બંધ કરાવવામાં આવે.

- text

વધુમાં જણાવાયું કે મોરબી જિલ્લામાં વાંકાનેરથી લઈને માળિયા હાઇવે ઉપર બાયોડિઝલના ગેરકાયદે પંપ આવેલા છે. આ પંપમાં જે ગેરકાયદે બાયોડિઝલ પહોંચાડવામાં આવે છે તે બાયોડિઝલ મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલ બે ડેલામાં તેમજ વાવડી રોડ અને પંચાસર રોડ વચ્ચે આવેલ ડેલામાં બનાવવામાં આવે છે. બાદમાં બાયોડિઝલ પંપ મારફતે તેનું વેચાણ કરવામાં આવે છે. આ અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ છે. અંતમાં જણાવાયું હતું કે આઠ દિવસમાં જો આ વેચાણ બંધ કરાવવામાં નહિ આવે તો ભગતસિંહ ક્રાંતિ દળના 600થી 1000 યુવાનો ભગતસિંહના માર્ગે તેનો વિરોધ કરશે. જેની જવાબદારી કલેકટર અને એસપીની રહેશે.

- text