ગુજરાતના બીજા ગાંધી તરીકે ઓળખાતા રવિશંકર મહારાજની આજે પુણ્યતિથિ

- text


રવિશંકર મહારાજે 71 વર્ષની વયે પગરખાં વિના હજારો કીમી ચાલી ભૂદાન પ્રવૃત્તિમાં અમૂલ્ય ફાળો આપ્યો

મોરબી : રવિશંકર વ્યાસનો જન્મ 25 ફેબ્રુઆરી, 1884ના રોજ મહાશિવરાત્રિના પાવન દિવસે ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં ઔદિચ્ય (ટોળકીયા) બ્રાહ્મણ કુટુંબમાં પિતાંબર શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો. અને તેમનું નિધન 1 જુલાઇ, 1984ના દિવસે 100 વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું હતું. આજે ગુજરાતના ઉદ્ઘાટક એવા રવિશંકર મહારાજની પુણ્યતિથિ છે.

રવિશંકર મહારાજનું સ્વાતંત્રય ચળવળમાં અનેરું પ્રદાન રહ્યું છે. નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું અને એ ઉપરાંત પાટણવાડીયા, બારૈયા કોમો અને બહારવટીયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું. રવિશંકર વ્યાસ એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. તઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતાં.

1920 અને 1930ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું. ઈ.સ. 1920માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો. તે જ વર્ષે સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના કરી, આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવતા. તે પછીના વર્ષે મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કરી દીધું.

- text

ઈ.સ. 1923માં બોરસદ સત્યાગ્રહ, હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી. ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ ભજવ્યો હતો. જેલવાસ દરમ્યાન જેલમાં ગામઠી ગીતા સમજાવતા. આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત થઈ ગયા. તેઓ ઈ.સ. 1955થી 1958ના ત્રણ વર્ષ દરમ્યાન 71 વર્ષની ઉંમરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા. આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક ભોજન લેતા અને તે પણ માત્ર લુખ્ખી ખીચડી. પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ ‘કરોડપતિ ભિખારી’ જેવું ઉપનામ પણ તેમને મળ્યું.

દેશને સ્વતંત્રતા મળ્યા બાદ તેઓએ સમાજ સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું . ઈ.સ. 1960માં 1 મેના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે રવિશંકર મહારાજના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ જીવ્યા ત્યાં સુધી એટલે કે 1984 સુધી જે કોઇ ગુજરાતના મૂખ્યમંત્રી બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા, તેવી પ્રણાલી થઇ ગઈ હતી.

રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની નવલકથા લખી હતી. જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કરી હતી. પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેને જીવી જાણ્યું નવલકથા લખી હતી. આવા સમાજ સેવક અને આઝાદીની લડતમાં અમૂલ્ય ફાળો આપનાર રવિશંકર મહારાજને સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે.

- text