મોરબી જિલ્લામાં 6100 ડોઝ આવતા કાલે 43 સ્થળે રસીકરણ થશે

- text


તાલુકા મથકોએ રસીની રામયણથી ગ્રામ્ય નાગરિકો નારાજ 

કલાકો સુધી રાહ જોયા બાદ વારો આવે ત્યારે જ રસી ખલાસ

મોરબી : કોરોનાને નાથવા માટે રસીકરણ ઉપર ભાર મુક્તી સરકાર રસીકરણનો પૂરતો ડોઝ જ ન ફાળવતી હોવાથી અસરકારક રસીકરણની ઝુંબેશ બુમરેંગ સાબિત થઈ છે ત્યારે મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોના રસીના અપૂરતા ડોઝની ફાળવણી બાદ ગુરુવાર માટે 6100 ડોઝ આવતા 43 સ્થળે રસીકરણ કરવામાં આવશે. જો કે ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને હાલાકી પડી રહી છે અને કલાકો સુધી કતારમાં ઉભા રહ્યા બાદ વારો આવે ત્યારે જ રસી ખલ્લાસ થઈ જતી હોવાની પણ વ્યાપક રાવ ઉઠી છે.

મોરબી જિલ્લામાં હાલ 18 થી 44 વર્ષના અને 45 થી ઉપરના લોકોનું એકીસાથે વેકસીનેશન કરવામાં આવી રહ્યું છે અને હમણાંથી મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વેકસીનેશનના મહાઅભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તંત્રએ જિલ્લાના 70 સ્થળોએ વેકસીનેશન કરવાની જાહેરાત કર્યા બાદ સરકાર તરફથી પૂરતો વેકસીનનો જથ્થો જ ન ફાળવતા રસીકરણની કામગીરી બેઅસર બની ગઈ છે. રસીનો ડોઝ જ અપૂરતો આવતા 70 ને બદલે 30 જેટલા સ્થળે જ વેકસીનેશનનું આયોજન કરવું પડે એવી કપરી હાલત સર્જાઈ છે.

- text

મોરબી જિલ્લામાં હાલ વેકસીનેશનની કામગીરી સાંભળતા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડો.વિપુલ કારોલિયાએ જણાવ્યું હતું કે, હમણાંથી વેકસીનનો જથ્થો સરકાર તરફથી ઓછો ફાળવામાં આવે છે. જો કે 70 સ્થળોએ વેકસીનેશનના આયોજન પ્રમાણે જ સરકાર તરફથી વેકસીનની માંગણી કરવામાં આવે છે. પણ વેકસીનનો ડોઝ માત્ર 3500 ની આસપાસ જ આવે છે. જો કે ગુરુવાર માટે મોરબીના 14, ટંકારાના 8, વાંકાનેરના 10, માળીયાના 3 અને હળવદના 8 મળી જિલ્લાના 43 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ 43 સ્થળોએ વેકસીનનેશન માટે 6100 ડોઝ ઉપલબ્ધ છે.

- text