ભાણેજના પ્રેમ સબંધ મામલે મામાના પરિવાર ઉપર હુમલો

- text


મોરબીના રફાળેશ્વર ગામે મારામારીની ઘટનામાં યુવતીના પરિવારના ચાર સભ્યો સામે નોંધાઈ ફરિયાદ

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ભાણેજના પ્રેમ સબંધ મામલે મામાના પરિવાર ઉપર યુવતીના પરિવારજનોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાનના પરિવારના સભ્યે યુવતીના પરિવારના ચાર સભ્યો સામે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર ગામે રહેતા રાજુભાઇ અવચરભાઈ ધંધુકિયા (ઉ.વ.27) નામના યુવાને આરોપીઓ દિનેશભાઈ નાનજીભાઈ સાંતલીયા, પ્રકાશભાઈ મનુભાઈ સાંતલીયા, નિલેશભાઈ દિનેશભાઇ સાંતલીયા અને જયપાલભાઈ ઉર્ફે લાલો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના ભાણેજ સુરેશને એક આરોપીની દીકરી સાથે પ્રેમસબંધ હોય અને બન્ને લગ્ન કરવાના હોવાથી આ વાત આરોપીઓને મંજુર ન હોવાથી ઉશ્કેરાઈ જઈને આરોપીઓએ ફરિયાદી તેમજ ભાણેજ અને સાહેદ જસુબેન તેમજ અન્ય એક પરિવારની વ્યક્તિ સાથે ઝઘડો કરી લાકડી વડે તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text