માળીયાના બગસરા ગામને પૂરતું પાણી છે : ધારાસભ્ય મેરજા

- text


પાઇપલાઇન તૂટી જવાને કારણે માત્ર 2-3 દિવસ જ પાણીની તકલીફ પડી હોવાની સ્પષ્ટતા

માળીયા (મી.) : માળીયા (મીં.) તાલુકાનાં બગસરા ગામે પીવાનું પાણી મળતું નથી તેવી બાબત ધારાસભ્ય બ્રિજેશ મેરજાના ધ્યાને આવતા આ અંગે તેમણે પાણી પુરવઠા બોર્ડના સ્થાનિક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરનું તાકીદે ધ્યાન દોરી આ પ્રશ્ન ઉકેલવા પ્રયાસ કર્યો છે.

માળીયા (મીં.) તાલુકાનાં આ બગસરા ગામનો સમાવેશ મોરબી – માળીયા (મીં) – જોડિયા પાણી પુરવઠા યોજના હેઠળ કરાયેલ છે. આ ગામની વસ્તી સને. ૨૦૧૧ માં ૯૦૩ ની તેમજ સને. ૨૦૨૧ માં ૧૦૦૯ ની છે. તે મુજબ સરકારના પ્રવર્તમાન ધારાધોરણો અનુસાર બગસરા ગામની પાણીની જરૂરિયાત ૧૦૦૯૦૦ લિટર જેટલી થાય છે. તે પ્રમાણે આ બગસરા ગામને મોરબી – માળીયા (મીં) – જોડિયા પાણી પુરવઠા યોજનાના નાનાભેલા હેડવર્ક દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

ગત સમયમાં તરઘડી ગામ પાસે પીપળીયાથી નાનાભેલા રોડની સમાંતર ગટર કામગીરી લગત રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા ચાલુ કરાતા પીપળીયાથી નાનાભેલા હેડવર્ક સુધીનું ૨૫૦ મી.મી. વ્યાસની પી.વી.સી પાઇપલાઇનમાં નુકશાન થયું હતું. જેથી, નાનાભેલા હેડવર્ક ખાતે પંહોચતો પાણી પુરવઠો વિક્ષેપ્ત પામેલ હતો. આ લીકેજ થયેલ પાઇપલાઇનનું તાત્કાલિક રિપેરિંગ કરી પાણીનો પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો. આમ, ૨-૩ દિવસ નાનાભેલા હેડવર્ક ખાતેનો પાણી પુરવઠો ખોરવાતા બગસરા ગામને અનિયમિત તથા ઓછું પાણી મળેલું હતું પરંતુ હવે પૂરતું પાણી બગસરા ગામને મળી રહ્યું છે.

- text

આમ, પાઇપલાઇન તૂટી જવાને કારણે માત્ર ૨-૩ દિવસ બગસરાને પાણી ન મળ્યું હોય તે સમજી શકાય પરંતુ છેલ્લા ૨૦ દિવસથી પાણી મળતું નથી તે વાતમાં કોઈ તથ્ય ન હોવાનું ઉમેરી ધારાસભ્ય તરીકે તેઓ સતત બગસરા ગામના આગેવાનોના સંપર્કમાં હોવાનું અને જ્યારે જ્યારે આ ગામની પીવાના પાણીની કોઈપણ ફરિયાદ આવી હોય તો તેનો સત્વરે નિકાલ પણ કરાવ્યો છે. તેનાથી આ ગામના આગેવાનો પણ વાકેફ છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text