હવે વાંકાનેરના દર્દીઓને ડાયાલીસીસ માટે રાજકોટ-મોરબીના ધક્કા નહિ ખાવા પડે

- text


સરકારી હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટર શરૂ : ક્ષત્રિય યુવાનની જહેમત રંગ લાવી : ડાયાલીસીસના છ મશીન વસાવાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કિડનીના દર્દીઓને ડાયાલીસીસ માટે અત્યાર સુધી રાજકોટ – મોરબીના ધક્કા ખાવા પડતા હતા પરંતુ આજથી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં છ હિમોડાયાલીસીસ મશીન સાથે ડાયાલીસીસ શરૂ કરવામાં આવતા લોકોને મોટી રાહત મળી છે. નોંધનીય છે કે કિડનીની બીમારીમાં પિતાની છત્રછાયા ગુમાવનાર એક ક્ષત્રિય યુવાનના સતત પ્રયત્નોને પગલે વાંકાનેરની જનતાને આ સુવિધા પ્રાપ્ત થઈ છે.

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ધીમે-ધીમે સુવિધા વધી રહી છે ત્યારે આજથી અહીં હિમોડાયાલીસીસ સેન્ટરનો શુભારંભ થતા લોકોને હવે ડાયાલીસીસ માટે રાજકોટ કે મોરબી નહિ જવું પડે. આજ રોજ વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.ફાલ્ગુનીબેન ત્રિવેદી, આરએમઓ હરપાલસિંહ પરમાર તેમજ નર્સિંગ સ્ટાફ અને ડાયાલીસીસ ટેક્નિકલ ટીમની હાજરીમાં પૂજનવિધિ કરી ડાયાલીસીસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વાંકાનેરમાં ડાયાલીસીસ સેન્ટરની સુવિધા ન હોવાથી કિડનીની બીમારીમાં પ્રદ્યુમ્નસિંહ વિક્રમસિંહ ઝાલા નામના વ્યક્તિ ડાયાલીસીસ માટે તેમના પુત્ર ઋષિરાજસિંહ તેમના પિતાને લઈ કાયમી રાજકોટના ધક્કા ખતા હતા, જો કે બીમારીમાં તેમના પિતાનું અવસાન થતાં આગળ જતાં કોઈને આવી હેરાનગતિ સહન ન કરવી પડે તે માટે ઋષિરાજસિંહ કોઈપણ સંજોગોમાં વાંકાનેરમાં જ ડાયાલીસીસ સેન્ટર શરૂ થાય તે માટે સઘન પ્રયાસો કરી ગાંધીનગરના ધક્કા ખાવા ઉપરાંત દાતાઓનો સહયોગ મેળવી આ સુવિધા શરૂ કરવામાં સિંહફાળો આપ્યો છે અને આ યુવાનની મહેનતનું ફળ હવે સમગ્ર વાંકાનેર તાલુકાને મળવું શરૂ થયું છે ત્યારે વાંકાનેરમાં ડાયાલીસીસ સેન્ટર શરૂ થતાં સિવિલ સ્ટાફ અને ઋષિરાજસિંહને શુભકામનાઓ મળી રહી છે.

- text

- text