મોરબી જિલ્લા પંચાયત કચેરીનું લોકાર્પણ : સોશિયલ ડિસ્ટનસના લીરેલીરા

- text


પ્રજા માટે આકરા નિયમો, રાજનેતાઓને છૂટ : ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોવિડ ગાઈડલાઈનનો ઉલાળીયો

સ્મશાન યાત્રામાં 20, લગ્નપ્રસંગમાં 50 વ્યક્તિના નિયમ વચ્ચે રાજકીય મેળાવાળાની મનાઈ છતાં સેંકડો લોકો ભેગા થઈ નાસ્તા પાણી પણ કર્યા

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની નવનિર્મિત કચેરીનું આજે મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી કચેરી ખાતે 100થી વધુ મહાનુભાવો એકઠા થયા હતા અને કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ ગાઈડલાઈનનો અભાવ જોવા મળ્યો હતો.

મોરબી શહેરના શોભેશ્વર રોડ ઉપર, સોઓરડી નજીક જિલ્લા સેવાસદનના પ્રાંગણમાં આશરે રૂ. ૨૭.૪૬ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગનું આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મોરબીના સાંસદ વિનોદ ચાવડા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, સુરેન્દ્રનગર સાંસદ મહેન્દ્ર મુંજપરા, જામનગર સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પરસોતમ સાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિંહોરા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર સહિતના હાજર રહ્યા હતા

આ લોકર્પણ સમારોહમાં કોરોના કાળમાં કેન્દ્ર રાજ્ય સરકારની કોવિડ ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ થયો હોવાનું ચિત્ર સામે આવ્યું હતું. કોરોના મહામારી વકરે નહિ તે માટે સરકાર દ્વારા લગ્ન પ્રસંગ અને લૌકિક ક્રિયા માટે વ્યક્તિઓની હાજરી સીમિત કરી રાજકીય મેળાવળા અને જાહેર સમારોહ ઉપર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આજના આ સમારોહમાં મોટી સંખ્યામાં પધાધિકારીઓ ઉપરાંત રાજકીય આગેવાનો અને કાર્યકર્તા જોવા મળ્યા હતા અને લોકાર્પણ સમયે તો હૈયે હૈયું દળાઈ તેવી તસવીરો સામે આવી છે.

જિલ્લા સેવા સદનમાં કલેકટર કચેરી, જિલ્લા પંચાયત અને પોલીસ અધિક્ષકની કચેરી એક જ કમ્પાઉન્ડમાં નિર્માણ થયેલ હોય મોરબી જિલ્લાની જનતાને એક જ સંકુલમાં સરકારની વિવિધ યોજનાના લાભો એક જ જગ્યાથી મળી રહે તેવો સરકારનો ઉમદા હેતુ સાર્થક બનશે ત્યારે આવા લોકાર્પણ સમારોહમાં પ્રજાને લાગુ પડતા નિયમો પણ અમલ કરવામાં આવ્યો હોત તો સરકારના જ કોરોના નિયમોનો ધજાગરો ન થયો હોત તેવું લોકો જણાવી રહ્યા છે.

નવનિર્મિત જિલ્લા પંચાયત રૂ.૨૭.૪૬ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. નવનિર્મિત જિલ્લા પંચાયત ભવન આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર (ભૂકંપ અવરોધક) ડીઝાઇન સાથેનું ગ્રાઉન્ડ ફ્લોર +2 માળ પ્રકારનું બાંધકામ કરવામાં આવેલ છે. નવનિર્મિત જિલ્લા પંચાયતમાં ભોયતળીયુ, પ્રથમ માળ તેમજ બીજો માળ એમ કુલ મળી આશરે ૧૧,૫૪૦ ચો.મી. (૧,૨૪,૨૦૦ ચો.ફુટ) નું બાંધકામ કરવામાં આવેલ છે. નવનિર્મિત જિલ્લા પંચાયત આશરે ૬૫૦૦ ચો.ફુટનો વિશાળ પાર્કિંગ એરીયા સાથે આશરે ૬૦ થી વધારે ફોર વ્હીલ તથા ૧૦૦ થી વધારે દ્વિચક્રી વાહનો સમાવવાની ક્ષમતા ધરાવે છે. જો કે હજુ નવા જિલ્લા પંચાયત ભવનમાં પ્રમુખ, ડીડીઓની ચેમ્બરથી લઈ કચેરીના અન્ય વિભાગોના ફર્નિચરનું કામ હજુ બાકી હોય સંપૂર્ણ કચેરી શિફ્ટ થતા હજુ એકાદ માસ કે તેથી વધુ સમય લાગે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

નવનિર્મિત જિલ્લા પંચાયતમાં ભોયતળીયે પ્રમુખ, ઉપપ્રમુખ તથા તમામ સમિતિના અધ્યક્ષઓ માટેની બેઠક વ્યવસ્થા તદ્દઉપરાંત કેન્ટીન, સભા ખંડ, કોન્ફરન્સ રૂમ તેમજ નાગરીક સુવીધા કેન્દ્રની જોગવાઇ કરવામાં આવેલ છે.જિલ્લા પંચાયત ભવનના પ્રથમ તથા બીજા માળમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓ તથા લગત શાખાના કર્મચારીઓની બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલી છે. આ ઉપરાંત, વીડિયો કોન્ફરન્સ રૂમ, મિટીંગ હોલ વગેરે વ્યવસ્થા કરવામાં આવેલ છે. નવનિર્મિત જિલ્લા પંચાયતના તમામ માળે પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા, લેડીઝ તેમજ જેન્ટ્સ અલગ અલગ ટૉઇલેટ, દરેક એન્ટ્રી ગેઇટ પાસે જરૂર મુજબના રેમ્પ તથા પ્રજ્ઞાચક્ષુની સુવીધા માટે ટેક્ટાઇલ પાથની પણ સુવીધા કરવામાં આવેલ છે.

જો કે, આ સુવિધા યુક્ત નવી કચેરીના લોકાર્પણમાં રાજકીય નેતાઓ નિયમની અમલવારી ભૂલી જતા કોરોના માટે લાલજાજમ બીછવવામાં આવી હોવાના કટાક્ષ પણ લોકોમાં ઉઠ્યા હતા.

- text