વાવાઝોડા બાદ મોરબીના વિલાયતી નળિયા ઉદ્યોગમાં તેજીનો સંચાર

- text


અમરેલી, રાજુલાની દરિયાઈ પટ્ટીમાં આજે પણ નળિયાનો મહત્તમ ઉપયોગ : દરરોજ 1.25 લાખ નળિયાનું ઉત્પાદન
વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તાર માટે નળિયાની માંગને પહોંચી વળવા જિલ્લા કલેકટરે નળિયાના ઉદ્યોગકાર સાથે બેઠક યોજી

મોરબી : આજના આધુનિક સમયમાં પાકા મકાનો અને આરસીસી સ્ટ્રક્ચરને કારણે મોરબીના વિખ્યાત વિલાયતી નળિયા ઉદ્યોગનો સૂરજ આથમી રહ્યો છે ત્યારે તાજેતરમાં આવેલ વાવાઝોડાને કારણે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કાચા -પાકા મકાનોનો કચ્ચરઘાણ નીકળી જતા વિલાયતી નળિયાની ભારે ડિમાન્ડ નીકળતા નળિયા ઉદ્યોગમાં તેજીનો સંચાર થયો છે, બીજી તરફ મોરબી જિલ્લા કલેકટરે પણ નળિયા ઉદ્યોગકારો સાથે ખાસ બેઠક યોજી જરૂરી પ્રોડક્શન વધારી અસરગ્રસ્ત વિસ્તારો માટે તાત્કાલિક નળિયા પુરા પાડવા અનુરોધ કર્યો હતો.

એક સમયે મોરબીના નળિયા ઉદ્યોગનો સમગ્ર ભારતભરમાં દબદબો હતો પરંતુ સમય જતા આધુનિક યુગમાં આરસીસી સ્ટ્રક્ચરનું ચલણ વધતા લોકોને છત્ર આપતા નળિયા હવે માત્ર ડેકોરેટિવ ઉપયોગ પૂરતા સીમિત બન્યા છે, જો કે, આજે પણ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં લોકો આરસીસી છતને બદલે નળિયાનો જ ઉપયોગ કરે છે અને તાજેતરમાં આવેલા વાવાઝોડા બાદ આ વિસ્તારમાં વ્યાપક ખાનાખરાબી થતા મોટાભાગના કાચાપાકા મકાનોના નળિયા સાફ થઇ જતા નળિયાની ભારે ડિમાન્ડ નીકળી છે.

મોરબીમાં હાલમાં નળિયા બનાવતા માત્ર 27 કારખાના આવેલા છે,જે પૈકી 10 કારખાનાઓમાં માત્ર ડેકોરેટિવ નળીયા જ બનતા હોય અન્ય 17 કારખાનામાં દૈનિક 1.25 લાખ જેટલા નળિયાનું ઉત્પાદન થાય છે. જો કે, નળિયાની ડિમાન્ડ ઘટી ગઈ હોય મોટાભાગના કારખાનાઓમાં જરૂરિયાત અને માંગ મુજબ જ ઉત્પાદન થાય છે પરંતુ વાવાઝોડાને કારણે અચાનક નળિયાની મોટી માંગ નીકળતા આ માંગને પહોંચી વળવા અને અસરગ્રસ્ત વિસ્તારના લોકોની મદદ માટે મોરબીના નલીયા ઉદ્યોગકારોએ કમર કસી છે.

- text

દરમિયાન મોરબીના અગ્રણી નળિયા ઉદ્યોગપતિ હસમુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશમાં મોરબી અને મેંગ્લોર સિવાય નળીયાનું ક્યાંય પણ ઉત્પાદન થતું નથી. ખાસ કરીને મોરબીમાં ઉત્પાદન થતા નળિયા ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોકલવામાં આવે છે અને ચોમાસા પહેલા દરવર્ષે નળિયા બદલવાનું ચલણ હોય મોરબીના નળિયા તથા મોભીયાની ખપ પૂરતી ડિમાન્ડ નીકળે છે પરંતુ હાલમાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારની માંગ જોતા મોરબીના નળિયા ઉદ્યોગપતિઓ દ્વારા અન્યત્ર ટ્રેડિંગ બંધ કરી સીધી જ સપ્લાય કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રતિ એકે નળિયાની કિંમત રૂપિયા નવ સુધી પહોંચી ગઈ છે ત્યારે મોરબીના અન્ય નળિયા ઉદ્યોગપતિ શરદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે વાવાઝોડા અસરગ્રસ્ત લોકોને ઝડપભેર નળિયા મળી શકે તે માટે ઉદ્યોગકારો દ્વારા ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે ને મોરબી જિલ્લા અલેકટર દ્વારા પણ નળિયા ઉદ્યોગકારોને વાવાઝોડાગ્રસ્ત વિસ્તારની માંગને અનુરૂપ પ્રવર્તમાન સંજોગોમાં સ્ટોક સહિતની બાબતો અંગે જાણકારી મેળવી હતી.

- text