મોરબી જિલ્લામાં ઉનાળુ તલ, બાજરી, મગ અને અળદને વ્યાપક નુકશાન : સર્વે શરૂ

- text


મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારામાં ખેડૂતોનો તૈયાર માલ વાવાઝોડાની ઝપટે ચડી ગયો

મોરબી : મોરબી જિલ્લામાં ઓણસાલ ખેડૂતોએ ગત વર્ષ કરતા પણ વધુ ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું પરંતુ વાવાઝોડાની અસર તળે ફુંકાયેલા જોરદાર પવન અને વરસાદને કારણે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારામાં ખેડૂતોએ વાવેલ તલ, બાજરી, જુવાર, અળદ અને મગ સહિતના પાકને અંદાજે 50 ટકાથી વધુ નુકશાન પહોંચ્યું છે. બીજી તરફ નુકશાનીનો તાગ મેળવવા ગ્રામસેવક દ્વારા ગામે-ગામ સર્વે પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે.

મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં 10792 હેક્ટર જમીનમા ઉનાળુ પાકનું વાવેતર થયું છે. જેમાં 682 હેક્ટરમાં બાજરી, 399 હેક્ટરમાં મગ, 1015 હેક્ટરમાં અડદ, 1015 હેક્ટરમાં મગફળી, 2479 હેકટર જમીનમાં તલ, 1067 હેક્ટરમાં શાકભાજી અને 4445 હેકટર જમીનમાં ઘાસચારાનું વાવેતર થયું હતું અને હાલમાં મોટાભાગના ખેડૂતોનો ઉનાળુ પાક તૈયાર થઇ ગયો હતો પરંતુ છેલ્લા બે દિવસમાં વાવાઝોડાની અસરને કારણે મોરબી જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

મોરબી તાલુકા સરપંચ એસોસીએશનના પ્રમુખ અને ખેવારીયા ખેડૂત અગ્રણી પ્રફુલભાઇ હોથી જણાવે છે કે, વાવાઝોડા અને વરસાદને કારણે મોરબી તાલુકામાં ખેડૂતોના તલના તૈયાર પાકના ઉભડા તેજ પવને વેરવિખેર કરી નાખ્યા છે. એ જ રીતે જુવાર અને બાજરીના પાકમાં ડૂંડા દાણે ચડી ગયા હતા. જેના ઉપર વરસાદ અને પવન કહેર બનીને તૂટી પડતા ખેડૂતોને 50થી 60 ટકા નુકશાન ગયું છે.

માળિયાના સુલતાનપુર ગામના સરપંચ ભાવેશભાઈ વિડજા કહે છે કે, ખેડૂતોએ ઉનાળુ પાકમાં વાવેલા મગ, અળદ, બાજરી અને જુવાર સહિતનો પાક વાવાઝોડાના કારણે તહસનહસ થઇ ગયો છે. હાલમાં ગ્રામસેવક દ્વારા નુકશાનીનો તાગ મેળવવા ગામેગામ સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. ટંકારા ગામે બાજરીનું વાવેતર કરનાર મગનભાઈ ભાલોડીયા કહે છે કે તેમનો પાક કાપણી ઉપર હતો પરંતુ વરસાદ પડતા હવે તૈયાર દાણા કાળા પડી જવાની સાથે પવને કહેર વર્તાવતા બાજરીનો ઉભો પાક તહસનહસ થઇ ગયો છે.

- text

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામના ખેડૂત અગ્રણી પ્રભાતભાઈ ડાંગરના જણાવ્યા મુજબ વાંકાનેર તાલુકામાં પણ ખેડૂતોને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. વાવાઝોડામાં તલ, બાજરી, જુવાર, મગ અને અળદના તૈયાર પાકને નુકશાની ખુબ જ છે. જો કે શાકભાજીના વાવેતરમાં ઓછું નુકશાન હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

હળવદ તાલુકામાં પણ ઉનાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂતોને ખુબ જ નુકશાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. વેગડવાવ ગામના ખેડૂત ભરત ભાઈ કણજરીયાએ જણાવ્યું હતું કે વરસાદ અને પવનને કારણે જુવાર અને બાજરીના પાકમાં પણ નુકસાની થઈ છે. ઘણા બધા ખેડૂતોએ જુવારની કાપણી કરી હતી. તે પલળી ગયા છે. સાથે જ જુવાર ખેતરમાં ઉભો હતો, તે આડો પડી ગયો છે. બાજરીમાં પણ આવું જ છે. પવન અને વરસાદે બાજરી અને જુવારના પાકને પણ મોટું નુકસાન કર્યું છે.

દરમિયાન મોરબી જિલ્લામાં ગ્રામસેવકો દ્વારા હાલમાં ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકશાન અંગે ગ્રામસેવક દ્વારા સર્વે ચાલુ કરી દેવામાં આવ્યો છે પરંતુ જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણે જિલ્લામાં ખેડૂતોને નુકશાન ન હોવાનું અને હાલમાં નુકશાની અંગે કોઈ અહેવાલ હજુ સુધી તેમના પાસે ન આવ્યા હોવાનું જણાવ્યું હતું.

- text