મોરબીમાં વાવાઝોડાની અસર વચ્ચે લોકોનો સ્વયંભૂ કરફ્યુ : જિલ્લામાં અડધોથી પોણો ઈંચ વરસાદ

- text


મોરબી જિલ્લામાં 60થી 65 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાતો પવન : સદભાગ્યે કોઈ નુકશાની નહિ
હળવદમા સવારે 8 વાગ્યા સુધીમાં 17મીમી, મોરબી,વાંકાનેર, ટંકારામાં 14મીમી અને માળિયામાં 5મીમી વરસાદ નોંધાયો

મોરબી : તૌઉતે વાવાઝોડાએ થોડી દિશા બદલતા હાલમાં મોરબી જિલ્લા ઉપરનો ખતરો થોડો ઓછો થયો હોવાના સંકેતો વચ્ચે હાલમાં જિલ્લામાં 60થી65 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને સમગ્ર જિલ્લામાં અડધોથી પોણો ઈંચ વરસાદ સરેરાશ નોંધાયો છે, બીજી તરફ વાવાઝોડામાં મોરબી જિલ્લાના લોકોએ સ્વયંભૂ ઘરમાં રહેવાનું પસંદ કરતાં હાલ કરફ્યુ જેવા માહોલ વચ્ચે જિલ્લાભરમાં સંચારબંધીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડું તૌઉતે ગતરાત્રીના દિવ નજીક લેન્ડફોલ થયા બાદ અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં તીવ્ર અસર દેખાડી રહ્યું છે અહીં અનેક વૃક્ષો ધરાશયી થયા છે તો જૂનાગઢના પ્રવેશદ્વાર ઉપર મુકવામાં આવેલ સિંહની પ્રતિમાને જમીનદોસ્ત કરી નાખી છે. હાલમાં વાવાઝોડું દિવ અને અમરેલી જિલ્લામાંથી પસાર થઈ રહ્યું છે અને સમુદ્રની તુલનાએ વાવાઝોડાની ગતિ ઘટી ગઈ છે.

દરમિયાન વાવાઝોડું લેન્ડ ફોલ થયા બાદ બોટાદ અને અમદાવાદ તરફ ખસી રહ્યું હોય હાલના સંજોગો જોતા મોરબી જિલ્લા ઉપરનું જોખમ ઘટી ગયું છે. જો કે, આમ છતાં પણ એકંદરે પવનની ગતિ અને વરસાદી માહોલ મોરબી જિલ્લામાં સાંજ સુધી યથાવત રહે તેવા સંકેતો હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યા છે.

વાવાઝોડાની અસરરૂપે હાલમાં મોરબી જિલ્લામાં 60થી 65 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને ગઈકાલ રાત્રિથી આજે સવારે આઠ વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં હળવદમાં 17મીમી, મોરબી, વાંકાનેર અને ટંકારામાં 14મીમી અને માળિયામાં 5 મીમી વરસાદ નોંધાયો હોવાનું કલેકટર કચેરીના ફ્લડ કન્ટ્રોલ રૂમના આંકડા જણાવી રહ્યા છે.

- text

બીજી તરફ મોરબીના નવલખી બંદરે પણ વાવાઝોડાનો ખતરો હળવો જણાતા ગઈકાલે બપોર બાદ ચડાવવામાં આવેલ 8 નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.

મોરબી ફાયર વિભાગનો તમામ સ્ટાફ પણ વાવાઝોડાનો ખતરો જોતા 24 કલાક ખડેપગે રહ્યો છે, સદભાગ્યે વાવાઝોડું અન્ય દિશામાં ફંટાતા ગઈકાલે રાત્રિથી અત્યાર સુધીમાં મોરબી ફાયર બ્રિગેડને પણ એક પણ ઇમરજન્સી કોલ મળ્યો નથી અને એકંદરે જિલ્લાભરમાં રાહત જોવા મળી છે અને જાગૃત જનતા પણ ખતરા જેવી સ્થિતિમાં સમજદારી પૂર્વક ઘરમાં જ રહેતા મોરબી શહેર સહિત જિલ્લામાં સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

- text