મોરબી જિલ્લામાં વાવાઝોડાનો ખતરો જોતા 11 ગામોમાં એલર્ટ : એનડીઆરએફની બે ટીમનું આગમન

- text


સગર્ભા માટે પીએચસીમાં આશ્રયસ્થાન : સ્થળાંતરણ માટે તમામ તૈયારી : દરિયામાં ગયેલી તમામ 167 બોટ પરત આવી ગઈ

મોરબી : અરબી સમુદ્રમાં ઉદભવેલ તૌકતે નામનું વાવાઝોડું ધીરે-ધીરે મજબૂત બની સૌરાષ્ટ્ર તરફ આગળ ખસકી રહ્યું છે અને આગામી તા. 18મીએ મોરબી સહીત સૌરાષ્ટ્રમાં ત્રાટકે તેવી દહેશત વચ્ચે મોરબી જિલ્લામાં રજીસ્ટર્ડ થયેલ તમામ 167 માછીમારી બોટ પરત કિનારે આવી ગઈ હોવાનું અને જિલ્લાના 11 ગામો સંભવત: વાવાઝોડાની અસરમાં આવે તેમ હોય અત્યારથી જ તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા હોવાનું જિલ્લા કલેકટર જે. બી. પટેલે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું.

આગામી તા. 18ના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તૌકતે નામનું વાવાઝોડું ત્રાટકી તબાહી મચાવી શકે તેમ હોવાની આગાહી હવામાન વિભાગે કરતા મોરબી જિલ્લા કલેકટર દ્વારા દરિયાકાંઠાની 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા મોરબી તાલુકાના ઢૂઈ, રામપર, પાડાબેકર, ઝીંઝુડા, ઉંટબેડ (શા.), બેલા, આમરણ, ફડસર અને રાજપર કુંતાસી સહિતના સાત અને માળીયા તાલુકાના વર્ષામેડી, વવાણીયા, બોડકી અને બગસરા સહિત ચાર ગામ મળી કુલ 11 ગામોને અલગ ઓળખી કાઢી ઉચ્ચ અધિકારીઓની ટીમને આ તમામ ગામમાં દોડાવી નાયબ મામલતદાર, તલાટીની વિશેષ ટીમોની નિયુક્તિ કરવામાં આવી છે.

- text

આ દરમિયાન સંભવિત વાવાઝોડા તૌકતેનો ખતરો જોતા શનિવારે સાંજે એનડીઆરએફની બે ટીમો મોરબી આવી પહોંચતા એક ટીમ મોરબી અને એક ટીમ માળીયા ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી હોવાનું જણાવી કલેકટર પટેલે આગોતરા આયોજન માટે બેઠક યોજી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા, ડીડીઓ, એસડીએમ મોરબી અને હળવદ, માર્ગ અને મકાન વિભાગ, નવલખી પોર્ટ ઓફિસર, ફોરેસ્ટ ઓફિસર, બીએસએનએલ, ફિશરીઝ, એસટી અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે વાવાઝોડા દરમિયાન ઉક્ત 11 ગામોમાંથી ફક્ત એક જ સગર્ભા મહિલા હોય તેમને પીએચસીમાં ખસેડવા તેમજ જરૂર જણાયે અસરગ્રસ્તો માટે આશ્રયસ્થાન સહિતની સુવિધા માટે આગોતરું આયોજન કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

- text