મોરબી માટે રાહતના સમાચાર : ફલૂ ઓપીડીમાં કેસ અડધો અડધ થઈ ગયા!!

- text


તાવ, શરદી, ઉધરસના ઓછા કેસો કોરોનામાં રાહત પણ આપે તેવી શકયતા

મોરબી : મોરબી શહેર માટે સારા સમાચાર આવ્યા છે. શહેરમાં તાવ, શરદી, ઉધરસના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ફલૂ ઓપીડીમાં દર્દીઓનું દરરોજ જે ટ્રાફિક રહેતું તેનાથી હાલ દર્દીઓનું ટ્રાફિક અડધું થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી શહેરમાં કોરોનાનો કહેર ચરમસીમાએ પહોંચી ગયો છે. દરરોજ વિક્રમજનક કેસો સામે આવી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા સાચા આંકડા ચોપડે બતાવવામાં આવતા નથી. કોરોનાના આતંક વચ્ચે આજે શહેર માટે સારા સમાચાર મળ્યા છે. મોરબી સિવિલના ફલૂ ઓપીડી વિભાગમાં દરરોજ 200થી વધુ સંખ્યામાં દર્દીઓ નોંધાઇ છે. જે ક્રમશ: ઘટીને આજે 103એ પહોંચી ગયા છે.

- text

એપ્રિલ માસમાં જોઈએ તો મહિનાના પ્રથમ દિવસે ફલૂ ઓપીડીમા 260 દર્દીઓ, જ્યારે બીજા દિવસે 273 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે છેલ્લા થોડા દિવસ જોઈએ તો ગત તા.15 ના રોજ 196 દર્દી અને તા.16ના રોજ 157 દર્દી નોંધાયા હતા. ગઈકાલે તો માત્ર 103 દર્દી જ નોંધાયા હતા. જેને કારણે અહીંની હંમેશા ભરચક રહેતી લોબી પણ ખાલીખમ દેખાતી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોનાએ હાલ સિવિલ ઉપરાંત ખાનગી અને સંસ્થાઓ દ્વારા સંચાલિત કોવિડ કેર સેન્ટરો હાઉસફુલ કરી દીધા બાદ આજે ફલૂ ઓપીડીમાં ઘટાડો થયાના ખુશીના સમાચાર પણ સામે આવ્યા છે. વધુમાં માત્ર સિવિલમાં જ નહીં પણ ખાનગી હોસ્પિટલોમા પણ ઓપીડી ઘટી હોવાનું જાણવા મળ્યું છે. જેથી હવે થોડા દિવસમાં કોરોનાના કેસોની સંખ્યા પણ હળવી બને તેવી આશા જાગી છે.

- text