હળવદ અકસ્માત : અમદાવાદ રીફર થવા જતા મોરબીના કોરોનાગ્રસ્ત દર્દી અને તેના પુત્ર સહિત ત્રણના મોત

- text


ગમખ્વાર અકસ્માતથી બે પરિવારોમાં કાળો કલ્પાંત

હળવદ : હળવદ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોરબીથી કોરોના પોઝિટિવ વૃદ્ધને તેના પુત્ર એમ્બ્યુલન્સમાં લઈને અમદાવાદ સારવાર અર્થે જઈ રહ્યા હતા. ત્યારે હળવદ નજીક આ એમ્બ્યુલન્સ વાનને ટ્રક સાથે અકસ્માત સર્જાતા કોરોનાગ્રસ્ત વૃદ્ધ અને તેના પુત્ર તેમજ એમ્બ્યુલન્સના ડ્રાઇવરના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે.

આ કરુણ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરના સમયે હળવદ તાલુકાના સુંદરગઢ નજીક ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. આ બનાવની વધુમાં મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અલીમોહમદભાઈ રહેમતુલા અબ્બાસી (ઉ.વ.78) ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ વધુ સારવાર અર્થે તેઓને તેમના પરિવારજનો મોરબીથી એમ્બ્યુલન્સમાં અમદાવાદ લઈ જતા હતા. આ એમ્બ્યુલન્સ હળવદના સુંદરગઢ નજીક પહોંચી ત્યારે ત્યાં ટ્રક સાથે એમ્બ્યુલન્સને જોરદાર અકસ્માત નડ્યો હતો.

- text

આ ગોઝારા અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં રહેલા કોરોનાગ્રસ્ત દર્દી અલીમોહમદભાઈ રહેમતુલા અબ્બાસી (ઉ.વ.78) તેમજ તેના પુત્ર યાસીનભાઈ અલીમહોમદભાઈ અબ્બાસી (ઉ.વ.44) અને એમ્બ્યુલન્સના ડ્રાઇવર જીતુભાઈ મુન્નાભાઈ ઝાલા (ઉ.વ.25, વાલ્મિકીવાસ, મોરબી) ના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે એમ્બ્યુલન્સમાં બેઠેલા રેહાનાબેન યાસીનભાઈ ઉ.વ.42 ને ગંભીર ઇજા થવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્રણેય મૃતકોની લાશને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડી આ બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text