લ્યો બોલો! મોરબીમાં ખોરંભે પડેલા પાણી વિતરણ બાબતે પાલિકા પ્રમુખનું પણ કોઈ સાંભળતું નથી

- text


નગરપાલિકાના મહિલા પ્રમુખની રજુઆત સમયે નાયબ કાર્યપાલક મહિલા ઇજનેરે કર્યું ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન

ગુજરાત પાણી પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર સહિત સંબંધિત વિભાગોને કરી લેખિત ફરિયાદ

મોરબી : શહેરમાં છેલ્લા 20 દિવસથી પાણી સપ્લાય ખોરંભે પડ્યો હોય પાલિકાના મહિલા પ્રમુખે સંબંધિત વિભાગને વિવિધ સ્તરે કરેલી રજુઆત બાદ પણ સમસ્યાનું નિવારણ ન આવતા આખરે થાકીને પાલિકા પ્રમુખે ઉચ્ચ કક્ષાએ આ બાબતે લેખિત રજુઆત કરી છે.

મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારે મોરબીમાં ખોરંભે પડેલી પાણી વિતરણની સમસ્યા સંદર્ભે ડેમની સાઇટ પર ઉભી થયેલી ટેક્નિકલ ક્ષતિ દૂર કરવા સંબંધિત વિભાગને અગાઉ રજુઆત કરી હતી. આ ક્ષતિ 3 દિવસ પૂર્વે દૂર થઈ ગઈ હોવા છતાં ખોરંભે પડેલું પાણી વિતરણ પૂર્વવત ન થતાં મોરબી સ્થિત નાયબ કાર્યપાલક ઈજનેર ખ્યાતિબેનનો ત્રણેક દિવસથી ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં ફોન બંધ આવતો હતો.

આજે શુક્રવારે ખ્યાતિબેનને ફોન લાગતા ઉપરોક્ત સમસ્યા બાબતે સમસ્યાનું નિવારણ કરવાનું જણાવતા નાયબ કાર્યપાલક મહિલા ઈજનેર મોરબીના પ્રથમ નાગરિક એવા કુસુમબેન પરમાર પર ભડકયા હતા અને ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરી જણાવ્યું હતું કે, ‘હું ફોન પર કોઈને જવાબ આપતી નથી જે કઈ રજુઆત હોય એ રૂબરૂ આવીને કહી શકો છો’. આવો જવાબ મળતા કુસુમબેન રૂબરૂ ગયા હતા.

- text

જ્યાં એવો જવાબ મળ્યો કે કુસુમબેન ચોંકી ગયા હતા. નાયબ કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ તેઓ પાસે માણસો નથી. જો કે, વાસ્તવિકતા એ છે કે, પાણી પુરવઠા બોર્ડના માણસો ગૌ-શાળા સ્થિત ફિલ્ટર હાઉસે આવી ગયા છે પણ તેને શું કામ કરવું તેનું માર્ગદર્શન આપવા વાળા કોઈ નથી.

આ સ્થિતિથી ખ્યાતિબેનને અવગત કરતા તેઓનો તુમાખીભર્યો જવાબ મળ્યો હતો. ગેરબંધારણીય ભાષામાં નાયબ કાર્યપાલક ઇજનેરના જવાબથી મોરબીના પ્રથમ નાગરિક ડઘાઈ ગયા હતા. ‘પાણી ક્યારે ચાલુ થશે એ બાબતે હું કઈ નહિ કહી શકુ’ એવું જણાવીને તેઓએ કુસુમબેનને રોકડું પરખાવ્યું હતું કે, પાણી પૂર્વવત થતા 15 દિવસ થાય અને પાણી ન પણ આવે. અધિકારીના આવા તુમાખીભર્યા વર્તનથી એક સવાલ જરૂર ઉદભવે કે જો મોરબીના ચૂંટાયેલા પ્રથમ નાગરિક સાથે આવો વ્યવહાર થતો હોય તો સામાન્ય પ્રજાજનોની તો આવા અધિકારીઓ પાસે શું વિસાત? આવો અણિયારો સવાલ ઉઠાવીને કુસુમબેને ગાંધીનગર સ્થિત ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, જિલ્લા કલેકટર, ડેપ્યુટી કલેકટર, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર, ભાજપના જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય અને શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાને લેખિત ફરિયાદ કરી છે.

- text