ટંકારા: પોક્સોના આરોપીને 5 વર્ષની સખ્ત કેદ અને 3 લાખનું વળતર ચૂકવવા આદેશ

- text


5 વર્ષ પુર્વે સગીર બાળાની જાહેરમાં છેડતી અને ભાઈને મારી નાંખવાની ધમકી આપવાના ગુન્હામાં આરોપીને અલગ અલગ કલમો હેઠળ 13500નો દંડ પણ ફટકારાયો

ટંકારા: ઓક્ટોબર 2016માં ટંકારા ખાતે સગીર વયની બાળાની સ્કૂલે જતાં સમયે રસ્તામાં બાઇક આડું નાંખીને હાથ-બાવડું પકડી છેડતી કરનાર અને જતાં જતાં બાળાના ભાઈને મારી નાંખવાની ધમકી આપી નાસી જનાર આરોપીને પોકસો કોર્ટના સ્પે. જજે ભોગ બનનાર બાળાને રૂપિયા 3 લાખનું વળતર આપવા સાથે વિવિધ કલમો હેઠળ 5 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.

ઉપરોક્ત કામના આરોપી 45 વર્ષીય ભગવાનજી દેવજીભાઈ ચાવડાએ ઓક્ટોબર 2016માં સ્કૂલે જતી સગીરાના રસ્તામાં બાઇક આડું નાંખીને આંતરી હતી અને હાથ તથા બાવડું પકડી ગાળો આપી છેડતી કરી જતાં જતાં ‘જો આ વાત કોઈને કરીશ તો તારા એકના એક ભાઈને જાનથી મારી નાંખીશ’ એવી ધમકી આપી નાસી ગયો હતો.

- text

ઉપરોક્ત બનાવની સગીરાના પરિવારે ટંકારા પોલીસમાં જાણ કરતા આરોપી વિરુદ્ધ પોકસોની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો. પોલીસે આરોપીને સકંજામાં લીધો હતો. ત્યારબાદ આરોપી જામીન પર છૂટ્યો હતો. જો કે, આ કેસ પોકસો કોર્ટમાં ચાલી જતા સ્પે. જજ અને એડિશનલ સેશન્સ જજ એમ.કે. ઉપાધ્યાયે ચુકાદો આપ્યો હતો. જે મુજબ આરોપીને તકસીરવાર ઠેરવીને 5 વર્ષની સખ્ત કેદની સજા તથા 10 હજાર રૂપિયાનો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ 1 વર્ષની સખ્ત કેદની સજા, તથા ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 235 (2) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ 506(2) હેઠળ તકસીરવાર ઠેરવી 1 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂપિયા 2500નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 3 માસની સજા ફટકારી હતી; તથા કલમ 235(2) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ 504 હેઠળ 9 માસની સખ્ત કેદની સજા તથા રૂપિયા 1 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 માસની સખ્ત કેદની સજા ફરમાવી હતી. આમ કુલ રૂપિયા 13500નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનાર બાળકીના બેંક એકાઉન્ટમાં રૂપિયા 3 લાખની રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ રૂપિયા 3 લાખ પૈકીની 75 ટકા રકમ 3 વર્ષ માટે ફિક્સ ડિપોઝીટના રવરૂપે અને 25 ટકા રકમ ભોગ બનનાર સગીરાના નામના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

 

- text