મોરબી અપડેટનો પડઘો : અંતે ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ

- text


16 માર્ચથી ટેકાના ભાવે ઘઉં ખરીદવાની કામગીરી પુરવઠા તંત્ર વિસરી ગયું; કિશાન સંઘની રજુઆત પણ ફળી

મોરબી : મોરબી સહિત સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે 16 માર્ચથી ખરીદી શરૂ કરવા મસમોટી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ બબ્બે અઠવાડિયાનો સમય વીતવા છતાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થતા મોરબી અપડેટ દ્વારા ગઈકાલે અહેવાલ વિરપરના કહેવાતા ખરીદી કેન્દ્ર ઉપરથી લાઈવ અહેવાલ પ્રસિદ્ધ કરાતા જ રેલો આવ્યો હોય તેમ આજે સવારથી પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોને ફટાફટ મેસેજ મોકલી ઘઉંની ખરીદી શરૂ થઈ છે.

ઓણ સાલ સારા વરસાદને પગલે મોરબી જિલ્લામાં ઘઉંનું બમ્પર વાવેતર થયું છે અને ખેડૂતોને ઘઉંનું ઉત્પાદન પણ સારું આવ્યું છે. ત્યારે ખુલ્લા બજારમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ ન મળે તેમ હોય ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદવા મોટાપાયે રજીસ્ટ્રેશન કરી 16 માર્ચથી ઘઉં ખરીદવાનું જાહેર કર્યું હતું.

બીજી તરફ 16 માર્ચ તો ઠીક 31 માર્ચ પણ જતી રહી હોવા છતાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થતા મોરબીના વીરપર નજીક સરકારે ટેકાના ભાવે ઘઉં ખરીદ કરવા જે કેન્દ્ર નક્કી કર્યું હતું ત્યાંથી જ મોરબી અપડેટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને સાથે રાખી અહેવાલ પ્રિસિદ્ધ કરી પુરવઠા વિભાગની બાબુઓની પોલ છતી કરતા ઉપર સુધી રેલો પહોંચ્યો હતો અને આજે સવારથી તંત્ર દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદ કરવા ખેડૂતોને ફટાફટ મેસેજ મોકલવાનું શરૂ કરી ઘઉંની ખરીદી શરૂ કરી છે.

- text

નોંધનીય છે કે કપાસની ટેકાના ભાવની ખરીદીમાં પણ સરકારે અને સરકારી બાબુઓએ ખેડૂતોને લોલીપોપ આપી હતી આમ છતાં કહેવાતા રાજનેતાઓ ચૂપ રહ્યા હતા ત્યારે ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે કિશાન સંઘ પણ ઉગ્ર રજુઆત કરતા અંતે મોરબી જિલ્લામાં આજથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થઈ છે ત્યારે હવે જોવું એ રહ્યુ કે ઘઉંમાં કિશન ભાઈઓને કેટલો ટેકો મળે છે.

- text