મોરબીમાં જીતશે કોરોના, હારશે જનતા! કોરોના ટેસ્ટ માટે 250 લોકો લાઈનમાં કીટ માત્ર 25!

- text


ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટરની વાસ્તવિકતા : ગામડાની હાલત વિચારવી મુશ્કેલ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ છેલ્લા 15 દિવસોથી વધી ગયું છે ત્યારે ગઈકાલે કોરોના ટેસ્ટિંગ વધારવા સરકારે સૂચના આપવા છતાં પરિમાણ શૂન્ય હોય તેવી સ્થિતિ મોરબીમાં જોવા મળી રહી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર તો ઠીક હવે શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં પણ પૂરતી ટેસ્ટ કીટ ઉપલબ્ધ ન હોય લોકોને કોરોના ટેસ્ટ માટે લાંબી લાઈન લગાવ્યા બાદ કાલે આવજોના જવાબ મળતા હોય મોરબીમાં જીતશે કોરોના હારશે જનતા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

મોરબીના ગોકુલનગર આંગણવાડીના અર્બન હેલ્થ સેન્ટર પર આજે ગુરુવારે સવારે આશરે 250 નાગરિકો કોરોના ટેસ્ટ કરાવવા માટે પહોંચ્યા હતા, પણ ખાટલે મોટી ખોટ કે, આ સેન્ટર પર માત્ર 25 ટેસ્ટ કીટ જ હોવાથી વધુ લોકોનું ટેસ્ટિંગ શક્ય બને તેમ ન હોય નાગરિકોમાં કચવાટ જોવા મળ્યો હતો. આ સેન્ટરમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડતા સ્થાનિક વ્યવસ્થાના અભાવે સામાજિક અંતરની જાળવણી પણ થતી ન હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી સામેનું યુદ્ધ ગ્રામ્ય વિસ્તારોમાં કઈ રીતે જીતી શકાશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે આજે પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના કોઈપણ નાગરિકને કોરોના સામે રક્ષણ આપતી વેકસિન લગાવવાનો દેશવ્યાપી કાર્યક્રમ અમલી બન્યો છે, ત્યારે મોરબી જિલ્લામાં હજુ ટેસ્ટિંગ કીટના પણ ઠેકાણા ન હોય આરોગ્ય તંત્રના કોરોનાને હરાવવાની રણનીતિને બદલે તંત્ર જ કોરોના સામે હારી ગયું હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

- text