મોરબીમાં ચેક રિટર્ન કેસમાં પાટલા સાસુને એક વર્ષની કેદ

- text


સાઢુભાઈ અને પાટલાસાસુએ હાથ ઉછીના લીધેલા 5 લાખ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા નામદાર અદાલતનો આદેશ

મોરબી : મોરબીમાં રહેતા સદગૃહસ્થે પોતાના સગા સાઢુભાઈ અને પાટલા સાસુના પુત્રને મેડિકલ અભ્યાસ માટે હાથ ઉછીના આપેલ રૂપિયા પાંચ લાખના બદલામાં આપવામાં આવેલ ચેક રિટર્ન થતા આ મામલે અદાલતમાં ચેક રિટર્ન અંગેનો કેસ કરતા નામદાર અદાલતે આરોપી પાટલાસાસુને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ અને પાંચ લાખની રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની વિગત જોઈએ તો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા અને સીરામીક ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા નશરૂદીન રહીમભાઈ અવાડીયાએ સિંચાઈ વિભાગમાં નોકરી કરતા અને સુરેન્દ્રનગર ખાતે રહેતા તેમના પાટલાસાસુ રુકશાનાબેન શોકતઅલી પંજવાણીના પુત્રને મેડિકલ અભ્યાસ માટે નાણાંની જરૂરિયાત હોય રૂપિયા પાંચ લાખ હાથ ઉછીના આપ્યા હતા અને આ રકમ પરત કરવા માટે જરૂરી નોટરી લખાણ કરાવી ચેક પણ મેળવ્યો હતો.

- text

બાદમાં આ ચેક બેંકમાં રજૂ કરવામાં આવતા નાણાકીય ભંડોળના અભાવે ચેક રિટર્ન થતા નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ મોરબીની નામદાર અદાલતમાં ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો જે કેસ ચાલી જતા નામદાર અદાલતે આરોપી પાટલાસાસુ રુકશાનાબેન શોકતઅલી પંજવાણીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ અને પાંચ લાખ 9 ટકા વ્યાજ સાથે ત્રણ મહિનામાં ચૂકવી આપવા હુકમ કરી વળતર ચુકવવામાં કસૂર કરે તો વધુ ત્રણ માસની કેદની સજા ભૉગવવા હુકમ કર્યો છે.આ કેસમાં ફરિયાદ પક્ષે એડવોકેટ સી.ડી.પડસુમ્બીયા રોકાયા હતા.

- text