હળવદ : ઠાકોર સમાજના આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત

- text


કવાડીયા ગામના પાટીયા પાસે કારચાલકે બાઈકને હડફેટે લેતા સર્જાયો અકસ્માત

હળવદ : કવાડીયા ગામનાં પાટીયા પાસે બેફામ બનેલા કારચાલકે હળવદ તાલુકાના શક્તિનગર ગામે રહેતા ઠાકોર સમાજના એક આશાસ્પદ યુવાનના બાઈકને હડફેટે લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત સમયે ઘટનાસ્થળે પહોંચેલા મૃતકના ભાઇઓના આક્રંદથી વાતાવરણ ગમગીન થઇ ગયું હતું. સોમવારે બનેલી આ ઘટનાના પગલે નાના એવા શક્તિનગર ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના શક્તિનગર ગામે રહેતા સહદેવભાઈ (ગડુ) અઘારા (ઠાકોર) જેઓની અનાજ કરિયાણાની દુકાન લીલાપર રોડ પાસે આવેલ પેપર મીલ પાસે હોય. જેથી, તેઓ સોમવારે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ દુકાનેથી પરત ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે હળવદ-ધાંગધ્રા હાઈ-વે પર આવેલ કવાડિયા ગામના પાટિયા પાસે ધાંગધ્રા તરફથી પુરપાટ ઝડપે આવતી કાર નંબર જી.જે ૧-કે.એક્ષ.૭૧૬૧ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને ત્યાંથી નાસી છુટ્યો હતો.

જેથી, ગંભીર રીતે ઘવાયેલ સહદેવભાઈને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ધાંગધ્રા અને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું. મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવ્યું હતું. આ બનાવમાં અકસ્માત સર્જી નાસી છુટેલ કારચાલક વિરુદ્ધ મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- text

આશાસ્પદ યુવાનના મોતથી દુઃખ વ્યક્ત કરતા પપુભાઈ ઠાકોર

શક્તિનગર ગામના ઠાકોર સમાજના આશાસ્પદ યુવાનના આકસ્મિક મોતથી ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. ત્યારે હળવદ ધાંગધ્રા ઠાકોર સમાજના યુવા અગ્રણી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઈ ઠાકોર એ દુઃખની લાગણી વ્યક્ત કરી મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી.

બનાવને પગલે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હળવદ સરકારી હોસ્પિટલે દોડી આવ્યા

મૃતક યુવાનની લાશને પી.એમ. માટે હળવદ સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. જ્યાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, ઠાકોર સમાજના અગ્રણી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપુભાઈ ઠાકોર, ભાજપ અગ્રણી વલ્લભભાઈ પટેલ, કવાડિયા તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ ગણેશીયા, ઠાકોર સમાજના અગ્રણી નવીનભાઈ મદ્રેસાણીયા, ઠાકોર સમાજના યુવાનો તેમજ મૃતકના મિત્રો મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

- text