સલામ મોરબી! બીએસએફમાં ગુજરાતના પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.ઉર્વી પેથાપરા

- text


સરકારી હોસ્પિટલમાં આરામદાયક નોકરી છોડી દેશના સીમાડા સાચવતા જવાનોની સેવા કરવાનું બીડું ઝડપનાર ગુજરાતના પ્રથમ તબીબ

કોરોના કાળમાં દિલ્હીના સૌથી મોટા કોવિડ સેન્ટરમાં ફરજ બજાવવાની સાથે જોધપુર,જેસલમેર,જમ્મુ કાશ્મીર બાદ હાલમાં ધોમધખતા તાપમાં બાડમેર સરહદે ફરજ ઉપર

મોરબી : આજના સમયમાં યુવાનોને ચેલેંજિંગ ગેઇમ પસંદ છે પરંતુ ચેલેંજિંગ જોબ પસંદ નથી,ખાસ કરીને તબીબીક્ષેત્રે અભ્યાસપૂર્ણ કર્યા બાદ મોટાભાગના કિસ્સામાં તબીબો ગ્રામ્ય વિસ્તાર કે અંતરિયાળ જોબ કરવાને બદલે આરામદાયક નોકરી પસંદ કરતા હોય છે. ત્યારે મોરબીની દીકરીએ સમગ્ર ગુજરાત જ નહિ બલ્કે દેશમાં મોરબીનુ ગૌરવ વધે તેવી ચેલેંજિંગ જોબ પસંદ કરી હાલ રાજસ્થાન બાડમેર સરહદે ફરજ બજાવતા જવાનોના આરોગ્યની સંભાળ રાખી રહ્યા છે. મોરબીના ડો.ઉર્વી ગીરીશભાઈ પેથાપરાએ આજથી એક વર્ષ પૂર્વે સરકારી નોકરી છોડી બીએસએફ જોઈન કર્યું છે અને કોરોનાના કપરાકાળમાં દિલ્હીના સૌથી મોટા કોવિડ કેર સેન્ટરમાં કામ કરવાની સાથે આખી મેઈલ બટાલિયન વચ્ચે એકલા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મેડિકલ ઓફિસર તરીકે જુસ્સાભેર કામ કરી રહ્યા છે.

મૂળ મોરબીના બીલીયા ગામના વતની ડો.ઉર્વી ગીરીશભાઈ પેથાપરાએ સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે તબીબી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નેસડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને બાદમાં તેઓની કચ્છ ગાંધીધામ ખાતે ટ્રાન્સફર થઈ હતી. બરાબર એ જ અરસામાં બીએસએફ એટલેકે સરહદના સીમાડાની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ડોક્ટરની જગ્યાની ભરતી માટે પરીક્ષા યોજાતા ડો.ઉર્વી પેથાપરાએ સફળતા પૂર્વક આ પરીક્ષા પાસ કરી 1 એપ્રિલ, 2020ના રોજ કોરોનકાળમાં દેશ સેવા માટેનું બીડું ઝડપી લીધું હતું અને તેમનું પ્રથમ પોસ્ટિંગ ગાંધીધામ કચ્છ ખાતે થયું હતું.

- text

સરકારી નોકરી છોડી બીએસએફમાં કેમ જોઈનીંગ કર્યું તે અંગેના સવાલનો જવાબ આપતા ડો. ઉર્વી પટેલ કહે છે કે દેશ સેવા માટે કંઈક કરવું તેમજ સેનાની વર્દી પહેરી ફરજ બજાવવાનો ગર્વ કંઈક અલગ જ છે. વધુમાં પોતાના અનુભવો વર્ણવતા કહે છે કે ફિલ્મોમાં જોવા મળતા દ્રશ્યોની તુલનાએ હકીકતમાં આપણા સૈન્યના જવાનો ટાઢ, તાપ, વરસાદ જોયા વગર રાત-દિવસ સીમા ઉપર ખડે પગે રહેતા હોય છે અને આવા ભાઈઓના આરોગ્યની ચિંતા-ખેવના કરવી એ મારા માટે ખુબ ગર્વની વાત છે. આજે રાજસ્થાનના બાડમેર ખાતે તમામ પુરુષો વચ્ચે એક માત્ર મહિલા મેડિકલ કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવવી જરા કઠિન છે પરંતુ મારા માટે આ ગર્વની બાબત છે.

વધુમાં તેઓ ઉમેરે છે કે બીએસએફમાં છેલ્લા એક વર્ષની ફરજ દરમિયાન રાજસ્થાન જોધપુર,જેસલમેર, જમ્મુકાશ્મીર ઉપરાંત દિલ્હીના સૌથી મોટા કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવી છે અને હાલમાં બાડમેર સરહદે ફરજ બજાવી રહ્યા છે, બાડમેરમાં ફરજ દરમિયાન ચારથી પાંચ દિવસ સરહદ ઉપર જ રહેવાનું હોય છે અને બાકીના સમયે બેઇઝ કેમ્પ ખાતે તબીબી સેવાઓ આપવાની હોય છે. આમ, ઘર,પરિવારથી દૂર રહીને હાલ ડો.ઉર્વી પેથાપરા વીર જવાનો માટે કંઈક કરવાની ભાવના સાથે દેશના સીમાડાઓની સુરક્ષા કરતા ફૌજી જવાનોના આરોગ્યની સતત ચિંતા કરી અનોખી દેશ સેવા કરી રહ્યા છે ત્યારે સલામ છે મોરબીના આ તબીબને….

- text