એમસીએક્સ વિક્લી માર્કેટ રિપોર્ટ : સોનાના વાયદામાં રૂ.૩૩૮ અને ચાંદીમાં રૂ.૧,૬૨૪નો પ્રત્યાઘાતી ઉછાળો

- text


સપ્તાહ દરમિયાન બુલડેક્સ ફ્યુચર્સમાં ૩૭૮ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૪૯૬ પોઈન્ટની મૂવમેન્ટ

ક્રૂડ તેલમાં વૃદ્ધિ : કોટનમાં નરમાઈનો માહોલ : સીપીઓમાં ઉછાળો : કપાસ, મેન્થા તેલમાં સુધારાનો સંચાર

મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર 5થી 11 માર્ચના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઉછાળો રહ્યો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩૮ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ. ૧,૬૨૪ ઊછળ્યો હતો. સીસા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદામાં નરમાઈ સામે ક્રૂડ પામતેલ (સીપીઓ)માં ઉછાળો વાયદાના ભાવમાં આવ્યો હતો. કપાસ અને મેન્થા તેલમાં સુધારાનો સંચાર થયો હતો.

વિશ્વબજારની વાત કરીએ તો, સપ્તાહના અંતે આ લખાય છે ત્યારે ડોલર ઈન્ડેક્સ ૦.૧૯ ટકા વધીને ૯૧.૫૯ પોઈન્ટના સ્તરે બોલાઈ રહ્યો હતો, જ્યારે ડોલરના ભાવ રૂ.૭૨.૭૦ આસપાસ બોલાઈ રહ્યા હતા. યુએસ બોન્ડ યિલ્ડ ૧.૩૪ ટકા વધીને ૧.૫૪૭ના સ્તરે પહોંચ્યો હતો. આના પગલે વિશ્વબજારમાં સોના-ચાંદીના ભાવ ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા હતા. સોનાનો ભાવ ૦.૩૫ ટકા ઘટીને ૧ ઔંશદીઠ ૧૬૧૬ ડોલર અને ચાંદીનો ભાવ ૦.૬૮ ટકા ઘટીને ૧ ઔંશદીઠ ૨૬.૦૧ ડોલર બોલાઈ રહ્યો હોવાના સમાચાર હતા. પેલેડિયમ ૦.૨૧ ટકા ઘટીને ૨૩૩૨ ડોલર અને પ્લેટીનમ ૦.૧૬ ટકા વધીને ૧૨૦૩ ડોલરના સ્તરે હતું. આ સામે ડબલ્યુટીઆઈ ક્રૂડ તેલ ૦.૩૬ ટકા ઘટી ૬૫.૭૮ ડોલર અને બ્રેન્ટ ક્રૂડ ૦.૦૭ ટકા ઘટી ૬૯.૪૭ ડોલર બોલાઈ રહ્યું હતું. યુએસ કોટન મે વાયદો ૦.૧૮ ટકા ઘટી ૮૮.૧૬ ડોલર બોલાઈ રહ્યો હતો.

ઘરેલૂ બજારની વાત કરીએ તો, ગુરૂવારે મહાશિવરાત્રિના દિવસે અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૦ ઊછળી ૯૯.૫૦ના રૂ.૪૬,૬૦૦ અને ૯૯.૯૦ના રૂ.૪૬,૮૦૦ બોલાયા હતા, જ્યારે અમદાવાદ ખાતે હાજર બજારમાં ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ વધી રૂ.૬૮,૦૦ની સપાટીને આંબી ગયો હતો. મુંબઈ ખાતે હાજર બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ. ૪૪,૯૦૦ અને ૯૯.૯૦ના રૂ. ૪૫,૧૦૦ બોલાતા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૬૭,૩૦૦ બોલાઈ રહ્યા હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. મુંબઈ બજારમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉપર હતા. ઘરઆંગણે ફેબ્રુઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં નવું આશરે રૂ.૪૯૦થી રૂ.૪૯૫ કરોડનું રોકાણ આવ્યાના સમાચાર હતા.

હવે વાયદા બજારની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે ગુરૂવારે મહાશિવરાત્રિની જાહેર રજાને કારણે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો માર્ચ વાયદો ૧૪,૦૮૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૪,૩૯૯ અને નીચામાં ૧૪,૦૨૧ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૩૭૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૧૬૯ પોઈન્ટ (૧.૨૦ ટકા) ઘટીને ૧૪,૩૧૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૪,૦૮૦ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ૪૯૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૧૭૮ પોઈન્ટ (૧.૨૯ ટકા) વધીને ૧૩,૯૪૦ના સ્તરે બંધ થયો હતો.

- text

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪,૪૪૪ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૫,૧૬૭ અને નીચામાં રૂ.૪૪,૧૫૦ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૩૩૮ (૦.૭૬ ટકા)ના ઉછાળા સાથે રૂ.૪૪,૮૭૯ના સ્તરે બંધ થયો હતો.ગોલ્ડ-ગિનીનો માર્ચ વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૫,૫૮૯ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૬૮ (૦.૪૭ ટકા)ના ભાવવધારા સાથે રૂ.૩૬,૦૭૮ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો માર્ચ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૪૫૪ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૭ (૦.૬૧ ટકા) વધી બંધમાં રૂ.૪,૪૮૬ના ભાવ થયા હતા. સોનાનો મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪,૪૪૭ના સ્તરે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૨૨ (૦.૭૨ ટકા) વધી રૂ.૪૪,૮૭૬ના સ્તરે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૫,૯૩૧ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૮,૦૯૯ અને નીચામાં રૂ.૬૪,૮૭૫ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૬૨૪ (૨.૪૬ ટકા)ના ઉછાળા સાથે રૂ.૬૭,૫૪૫ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૬૫,૮૦૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૬૩૮ (૨.૪૮ ટકા)ની તેજી સાથે રૂ.૬૭,૫૯૧ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૬૫,૮૯૯ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૬૨૦ (૨.૪૬ ટકા)ની તેજી સાથે બંધમાં રૂ.૬૭,૫૮૨ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૪,૭૧૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪,૯૬૭ અને નીચામાં રૂ.૪,૬૧૨ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૮૯ (૧.૮૯ ટકા)ની વૃદ્ધિ સાથે બંધમાં રૂ.૪,૭૯૬ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો માર્ચ વાયદો રૂ.૬.૯૦ (૩.૪૪ ટકા) ઘટી એમએમબીટીયૂદીઠ રૂ.૧૯૩.૮૦ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૨૩૪ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪.૫૦ (૦.૩૬ ટકા) વધી રૂ.૧,૨૬૦.૫૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૨,૦૭૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૨,૨૯૦ અને નીચામાં રૂ.૨૧,૭૨૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૭૦ (૦.૩૨ ટકા)ના ઘટાડા સાથે રૂ.૨૨,૧૧૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો માર્ચ વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૧,૦૫૪.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮૮.૧૦ (૮.૩૯ ટકા)ના ઉછાળા સાથે રૂ.૧,૧૩૮.૧૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે મેન્થા તેલનો માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૫૩.૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૯.૯૦ (૧.૦૪ ટકા) વધી બંધમાં રૂ.૯૬૦ના ભાવ રહ્યા હતા.

- text