મોરબી : ટેકાના ભાવે ખેડૂત દીઠ 50 મણ ચણા ખરીદાશે

- text


તા. ૮ માર્ચથી રાજયના ૧૮૮ કેન્દ્રો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થશે

મોરબી : આગામી તા.8 માર્ચથી મોરબી સહીત રાજ્યભરમાંથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થવા જઈ રહી છે ત્યારે આ વખતે સરકાર પ્રત્યેક ખેડૂત પાસેથી ટેકાના ભાવે 50 મણ ચણા ખરીદ કરશે. જો કે મોરબી સહિતના સૌરાષ્ટ્રના જિલ્લામાં ચણાનું બમ્પર વાવેતર થયું છે ત્યારે પ્રત્યેક ખેડૂત પાસેથી માત્ર 50 મણ ચણા ખરીદવાના નિર્ણયથી ખેડૂતોમાં રોષ જોવા મળશે તે સ્વાભાવિક છે.

ગુજરાત સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા તા. ૮ માર્ચથી રાજયના ૧૮૮ કેન્દ્રો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થનાર છે. ચણા રૂ. પ૧ ના કિલો લેખે ખરીદવામાં આવશે ખુલ્લા બજારમાં ભાવ રૂ. ૪પ આસપાસ ગણાય છે. કેન્દ્ર સરકારે ઉત્પાદનના પ્રમાણમાં પુરતી મંજુરી ન આપતા રાજય સરકારે ચણાની ખરીદીના ખેડૂત દિઠ કાપ મૂકવો પડયો છે. ખેડૂત દિઠ મહતમ ૧ હજાર કિલો ચણા ખરીદવામાં આવશે. ચણાની ખરીદીના જથ્થા બાબતે ખેડૂતોમાં નારાજગી થવાના એંધાણ છે.રાજય સરકારે ઉત્પાદન અને ઓનલાઇન નોંધણીના આંકડા ધ્યાને રાખીને ૩.રપ લાખ મેટ્રિક ટન ચણા ખરીદવાની મંજુરી આપવા કેન્દ્રમાં દરખાસ્ત કરેલ. તેની સામે કેન્દ્રએ બે તબક્કે આપેલ મંજુરી મુજબ ર.૪૭ લાખ મેટ્રિક ટન ચણા ખરીદી શકાશે.

- text

ચણાની ખરીદી તા. ૮ માર્ચથી પ જુન સુધી થશે.ખેતી નિયામક કચેરીએ નાગરિક પુરવઠા નિગમને પત્ર પાઠવી જણાવ્યું કે ચણાના વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેકટર ૧૬૬૩ કિ.ગ્રા. ઉત્પાદકતા પ્રમાણે પ્રતિ ખેડૂત મહતમ ૧૦૦૦ કિ.ગ્રામ ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવી. ૧ હેકટર કે તેથી વધુ ચણાના વાવેતર વિસ્તાર ધરાવતા ખેડૂત પાસેથી મહત્તમ ૧૦૦૦ કિ.ગ્રામ. ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવી. ૦.પ હેકટર ચણાનો વાવેતર વિસ્તાર ધરાવતા ખેડૂત પાસેથી ૮૩ર કિ.ગ્રા. ચણા જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવાની રહેશે. ૦.૭પ હેકટર ચણાનો વાવેતર વિસ્તાર ધરાવતા ખેડૂત પાસેથી ૧૦૦૦ કિ.ગ્રામ. ચણા જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text