મોરબી જિલ્લામાં ભાજપને 2.40 લાખ : કોંગ્રેસને 1.44 લાખ મત મળ્યા

- text


ગત ચૂંટણીની તુલનાએ કોંગ્રેસને 44 બેઠકોનું નુકશાન : ભાજપને 43 બેઠકનો બેઠકનો ફાયદો

મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે મતદારોએ કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો છે. આંતરિક કલહ અને પક્ષપલ્ટામાં રચી-પચી રહેતી કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો છે અને મોરબી જિલ્લામાં વર્ષ 2015 ની ચૂંટણીની સરખામણીએ ભાજપ પ્રત્યેના મતદારોના ઝુકાવમાં ખુબજ વધારો થયો છે. મોરબી જિલ્લાના પરિણામો જોતા આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અસ્તિત્વ સામે સવાલ ઉઠી રહ્યા છે. જિલ્લા તાલુકા પંચાયતમાં મળી કોંગ્રેસને 1,44,660 મત મળ્યા છે. સામાપક્ષે ભાજપને 2,40,003 મત મળ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં વર્ષ 2015થી તદ્દન વિપરીત પરિણામો આવ્યા છે. ગત ચૂંટણીમાં મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને 22 બેઠક જયારે ભાજપને 2 બેઠક મળી હતી. તો વર્ષ 2021ની આ સામાન્ય ચૂંટણીમાં ભાજપ ગત વર્ષની 2 બેઠકની સામે 14 બેઠક મેળવી સ્પષ્ટ બહુમતી સાથે સતા ઉપર આવી છે અને કોંગ્રેસને માત્ર 10 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ભાજપને 14 બેઠક ઉપર જીત સાથે કુલ 1,14,140 મત મળ્યા છે તો કોંગ્રેસના 10 ઉમેદવારોને કુલ 80,255 મત મળ્યા છે.

મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયતના પરિણામો જોઈએ તો વર્ષ 2015માં માળીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 અને ભાજપને 6 બેઠક મળી હતી અને આ વર્ષે તેનાથી તદ્દન વિપરીત ભાજપને 10 અને કોંગ્રેસને 6 બેઠક મળી છે. મોરબી તાલુકા પંચાયતની સ્થિતિ જોઈએ તો વર્ષ 2015માં કોંગ્રેસને 21 બેઠક મળી હતી તો આ વર્ષે માત્ર 7 બેઠક મળી છે. જયારે ભાજપને ગત ચૂંટણીમાં માત્ર પાંચ બેઠક મળી હતી જયારે વર્ષ 2021ના આ પરિણામમાં ભાજપને 19 બેઠક ઉપર જીત મળતા ભાજપે મોરબી જિલ્લા પંચાયતમાં ભગવો સ્થાપિત કર્યો છે.

- text

હળવદ તાલુકા પંચાયતની સ્થિતિ જોઈએ તો વર્ષ 2015માં 12 બેઠક મેળવાનર કોંગ્રેસને આ વખતે માત્ર 3 બેઠક જ મળી છે તો ભાજપને ગત ચૂંટણીમાં 8 બેઠક મળી હતી જેમાં 8ના વધારા સાથે 16 બેઠકો મળી છે. ટંકારા તાલુકા પંચાયતમાં ગત ચૂંટણીમાં ભાજપને એકપણ બેઠક મળી નહતી. પરંતુ, આ વખતે અહીં ભાજપનો જાદુ ચાલતા 9 બેઠકો મળી છે અને કોંગ્રેસને માત્ર છ બેઠકો મેળવી સંતોષ માનવાની સાથે સતા ગુમાવવાનો રંજ સહન કરવો પડ્યો છે. મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકા પંચાયતમાં અપસેટ સર્જાયો છે. અહીં આઝાદી બાદ કદાચ પહેલી વખત કહી શકાય તેમ ભાજપને 13 બેઠક સાથે સ્પષ્ટ બહુમત મળ્યો છે અને કોંગ્રેસને માત્ર 11 બેઠક મળી છે. વર્ષ 2015માં કોંગ્રેસ 17 બેઠક સાથે અહીં સતા ઉપર હતી.

મોરબી જિલ્લા પંચાયતમાં કુલ 5,41,566 મતદારો નોંધાયેલ છે. જેમાંથી ભાજપને 1,14,140 અને કોંગ્રેસને 80255 મત મળ્યા છે. એ જ રીતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને 1,25,863 અને કોંગ્રેસના ઉમેદવારોને 64405 મત મળ્યા હતા. બેઠક દીઠ નુકશાન ફાયદો જોઈએ તો મોરબી જિલ્લા પંચાયતમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસને 22 અને ભાજપને બે બેઠક મળી હતી. એ જ રીતે પાંચ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 77 અને ભાજપને 24 બેઠક મળી હતી જેની તુલનાએ આ ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં ભાજપને 14 બેઠક મળતા ગત ચૂંટણી કરતા 12 બેઠકનો ફાયદો થયો છે. જયારે તાલુકા પંચાયતોમાં 67 બેઠક સાથે ભાજપને 43 બેઠકનો ફાયદો મળ્યો છે. જયારે કોંગ્રેસને પાંચેય તાલુકા પંચાયતમાં કુલ મળી 33 બેઠક જ મળતા 44 બેઠકનું નુકશાન પહોંચ્યું છે.

જિલ્લા પંચાયતમાં મળેલા મત

ભાજપ – 1,14,140
કોંગ્રેસ – 80,255

પાંચ તાલુકા પંચાયતમાં મળેલા મત

તાલુકા પંચાયત -ભાજપ-કોંગ્રેસ
માળીયા- 9877-6837
મોરબી – 45601-16512
હળવદ-31196-6111
ટંકારા-11669-9605
વાંકાનેર-27520-25304

કુલ–1,25,863-64,405

- text