નજરબાગ સ્ટેશને ડેમુ ટ્રેનમાં ચડવા પેસેન્જરોને ગોથા ખાવા પડશે

- text


રેલવે બાબુઓએ પેસેન્જરની સુવિધા નજરઅંદાજ કરી : લોકડાઉનથી શરૂ થયેલું પ્લેટફોર્મ બનાવવાનું કામ હજુ અધૂરું

મોરબી: 1 માર્ચ 2021થી મોરબી વાંકાનેર ડેમો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. ત્યારે રેલવે તંત્રની એક મોટી નિષ્ફળતા સામે આવી છે. પુરા રૂટની પૂર્વ ચકાસણી અને વ્યવસ્થાપનમાં રેલવેતંત્ર ક્યાંકને ક્યાંક ઉણું ઉતર્યું હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે અને નજરબાગ સ્ટેશને ડેમુ ટ્રેનમાં ચડવા સમયે પેસેન્જરોને ઠેસ-ઠેબા ખાઈ ગોથા મારવા પડે તેવી સ્થિતિ હોવાનું સામે આવ્યું છે.

મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન ૧ માર્ચથી શરૂ થવા જઈ રહી છે ત્યારે મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશનની તપાસ રેલવે બાબુઓએ કરી ન હોય તેવું સામે આવ્યું છે. પ્રથમ લોકડાઉન દરમિયાન જ્યારે ડેમુ ટ્રેનની સેવા સ્થગિત કરવામાં આવી હતી ત્યારે નજરબાગ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મનું કામ હાથ ધરાયું હતું. આટલા મહિનાઓનો સમયગાળો વીતી જવા છતાં હજુ કામ અડધે પણ પહોંચ્યું નથી. સંપૂર્ણ પ્લેટફોર્મ ખોદી નાખવામાં આવ્યું છે, ઠેર,ઠેર મોટા પથ્થરો પડ્યા છે.અને રેલવે ટ્રેકની બાજુમાં માત્ર પ્લેટફોર્મની પાળી જ ઊભી કરવામાં આવી છે.

આ સંજોગોમાં એક માર્ચથી શરૂ થવા જઇ રહેલી ડેમો ટ્રેનમાં બેસનાર પ્રવાસીઓને આ પ્લેટફોર્મ ઉપર ઊભા રહેવાની તો ઠીક પણ ટ્રેનમાં ચડવું કેમ તે પણ પ્રશ્ન ઉભો થયો છે, નોંધનીય છે કે નજરબાગથી અનેક અપડાઉન કરતા મુસાફરો ચડ -ઉત્તર કરે છે. રેલવેના બાબુઓ દ્વારા આટલી મોટી ચૂંક થઈ ગઈ છે અને હવે ટ્રેન શરૂ થવાની જાહેરાત થઇ છે ત્યારે યુદ્ધના ધોરણે આ પ્લેટફોર્મ પ્રવાસીઓના આવાગમન માટે તૈયાર થઈ જાય તેવું મોરબીવાસીઓ ઇચ્છી રહ્યા છે.

- text

- text