વાંકાનેરથી માળીયા સુધીનો નેશનલ હાઇવે સિક્સલેન બનાવવા રજૂઆત

- text


સર્વિસ રોડ રીપેર કરાવવા અને મહેન્દ્રનગરથી હળવદ સુધીનો રસ્તો ફોરલેન બનાવવા અપીલ

મોરબી : વાંકાનેરથી માળીયા સુધીનો નેશનલ હાઇવે ફોરલેનમાંથી સિક્સલેન બનાવવા તથા સર્વિસ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે, તે રીપેર કરાવવા તથા મહેન્દ્રનગરથી હળવદ સુધીનો રસ્તો ફોરલેન બનાવવા બાબતે મોરબીના જાગૃત નાગરિક મેહુલભાઈ ગાંભવા દ્વારા જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે મોરબી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે 8-એ કે જે મોરબી જિલ્લાને કચ્છ જિલ્લાથી જોડે છે. આ રસ્તાની હાલત છેલ્લા 2 વર્ષથી અત્યંત ખરાબ છે. એમાં પણ ખાસ કરીને વાંકાનેરથી માળીયા સુધીનો હાઇવે સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ હાઇવે દ્વારા મોરબી શહેરમાં દૈનિક આશરે 10,000થી પણ વધુ ટ્રકની અવરજવર છે. જેના કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામ સમસ્યા સર્જાય છે. તેમજ અકસ્માતોનું પ્રમાણ વધે છે.

આથી, આ સમસ્યાના ઉકેલ હેતુ વાંકાનેરથી માળીયા સુધીનો હાઇવે છ માર્ગીય બનાવવામાં આવે તથા મહેન્દ્રનગર ચોકડીથી હળવદ સુધીના રસ્તાની હાલત પણ અત્યંત ખરાબ છે, આ રસ્તામાં ટ્રાફિકની સમસ્યા ખુબ જ જોવા મળે છે. જેના લીધે મોરબીથી અમદાવાદ જતા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને રસ્તામાં અકસ્માતની ભીતિ રહેલી છે. આ સમસ્યાના નિવારણ હેતુ મહેન્દ્રનગર ચોકડીથી હળવદ સુધીનો રસ્તો ફોરલેન બનાવવામાં આવે, તેવી માંગણી કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત, આ રસ્તાના સર્વિસ રોડ પર અમુક અંતરે ફૂટ-ફૂટના ખાડા પડેલ છે. જેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો ઉદ્ભવે છે. જેના લીધે જાહેર જનતાના સમય અને ઇંધણનો વ્યય થાય છે. તો તેનું પણ રીનોવેશન કરવામાં આવે. તદુપરાંત, આ રસ્તા પરથી પાણીના નિકાલ હેતુ ડ્રેનેજ લાઇનનું નિર્માણ કરવામાં આવેલ છે પરંતુ તે ડ્રેનેજ લાઈનની યોગ્ય રીતે સાફ સફાઈ થતી નથી. પરિણામે પાણીનો નિકાલ ન થવાથી રસ્તા પર પાણીનો ભરાવો થાય છે. જેના લીધે રસ્તાઓ તૂટી જાય છે. જેથી, ડ્રેનેજ લાઈનની યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે. પરિણામે અકસ્માતો ટળે અને ટ્રાફિકની સમસ્યાનું પણ નિવારણ થાય અને વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય.

આ સંજોગોમાં જિલ્લા કલેક્ટરે એક જવાબદાર શાસક તેમજ જિલ્લાના વહીવટી તંત્રના મોભી તરીકેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી મોરબી જિલ્લાના રોડ-રસ્તાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે જરૂરી પગલાં લઇ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

- text