મોરબી જિલ્લામાં 120 મતદાન મથકો સંવેદનશીલ

- text


 

  • મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે 3721 પોલીસ રહેશે ખડેપગે

  • એસઆરપીની એક કંપની અને ક્યુરીટી ટીમ સતત દોડતી રહેશે: 44 પીઆઇ,પીએસઆઇ અને ડીવાયએસપીને ફરજ

મોરબી ; મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તા.28ના રોજ મતદાનના દિવસે સ્થાનિક ઉપરાંત બહારગામથી એસઆરપી અને હોમગાર્ડ ટીમને બોલાવવામાં આવી છે અને કુલ મળી 3721 પોલીસ જવાનને રાઉન્ડ ધ ક્લોક ફરજ સોંપવામાં આવશે તેવું જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે જે અન્વયે આગામી તા, 28 ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લામાં પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ 861 મતદાન મથકો ઉપર મતદાન થનાર છે ત્યારે જિલ્લાના ભૂતકાળના બનાવોને ધ્યાને લઈ 120 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરી વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

- text

વધુમાં મતદાનના દિવસે સ્થાનિક પોલીસ ઉપરાંત બહારના જિલ્લામાંથી 294 પોલીસકર્મી અને 1262 હોમગાર્ડ જવાનોને ચૂંટણી ફરજમાં જોડવામાં આવશે કુલ મળી મોરબી જિલ્લામાં ડીવાયએસપી, પીઆઇ,પીએસઆઇ સહિતના 44 અધિકારીઓ તેમજ એસઆરપીની એક કંપની અને ક્યુઆરટી ટિમ પણ તૈનાત કરવામાં આવશે.

ચૂંટણીને પગલે આઠ ચેકપોસ્ટ ઉભી કરાઈ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે નાણાકીય હેરફેર રોકવાની સાથે -સાથે દારૂ સહિતની બદીને કાબુમાં રાખવા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દરેક પોલીસ મથકો અને જિલ્લામાં પ્રવેશતા મુખ્ય માર્ગો ઉપર આઠ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસવડા દ્વારા જાહેર કરાયું હતું.

986 હથિયાર પોલીસ મથકમાં જમા

નગરપાલિકા,જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીને પગલે પરવાનાવાળા હથિયાર જમા લેવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા પોલીસતંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 986 હથિયાર જુદા-જુદા પોલીસ મથકમાં જમા લેવામાં આવ્યા છે અને હજુ પણ 100 જેટલા પરવાનાવાળા હથિયાર જમા ન થયા હોય આવા હથિયાર જમા લેવા કાર્યવાહી ચાલુ હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે

- text