ગ્રામ પંચાયતમાં કેન્દ્રની ગ્રાન્ટમાંથી થતા કામોનું ચુકવણું હવે ‘ડીઝીટલ સિગ્નેચર’ થકી થશે

- text


ડિજિટલ સિગ્નેચર થકી ગ્રામ પંચાયત થશે વધુ આધુનિક : આગામી નાણાંકીય વર્ષથી ગ્રામ પંચાયતમાં અમલવારી કરવાનું આયોજન

મોરબી : 21મી સદીના આધુનિક યુગમાં શહેરની સાથે-સાથે ગામડાઓ પણ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી હાઈટેક બનવા તરફ જઈ રહ્યા છે. ગુજરાતની અંદાજીત 14 હજારથી વધુ ગ્રામ પંચાયતમાં ઇ-ગ્રામ સ્વરાજ થકી ગ્રામ પંચાયતનો વહીવટ ચાલે છે. ઇ-ગ્રામ સ્વરાજ થકી ખેડૂતોને ગામમાં 7-12 નકલ, આવક પ્રમાણપત્ર, વિવિધ યોજના ફોર્મ સહિતની સુવિધાઓ મળે છે. તો આ જ સોફ્ટવેર થકી ગ્રામ પંચાયત જે-તે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સાથે જોડાઈ ગ્રામ પંચાયતમાં વિકાસ કામ અને યોજનાનો લાભ ગામના લોકોને આપે છે.

હવે આગામી સમયમાં આ ઇ-ગ્રામ સ્વરાજને સરકાર આગામી સમયમાં વધુ આધુનિક બનાવવા જઈ રહી છે. આ સોફ્ટવેર થકી સરકાર ગ્રામ પંચાયતના વિકાસ કામના ચુકવણાને ડીઝીટલ દિશામાં લઈ જઈ રહી છે. જેને ડીઝીટલ સિગ્નેચર તરીકે ઓળખવામાં આવશે. ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોમાં આગામી સમયમાં 15મી નાણાંપંચ હેઠળની કેન્દ્ર સરકારની યોજના થકી જે વિકાસ કામના આયોજન અને કામગીરી કરવામાં આવશે, તેમાં પેમેન્ટ પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર કરવા જઈ રહી છે.

આગામી સમયમાં ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ સ્વરાજ સૉફ્ટવેર સાથે હવે અન્ય એક સૉફ્ટવેર પી.એફ.એમ.એસ. એટલે કે પબ્લિક ફાયનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ, અન્ય એક સૉફ્ટવેર એવા લોકેશન ટ્રેકિંગ સૉફ્ટવેરને લિંક કરવા જઈ રહી છે. આ સૉફ્ટવેર લિંક થયા બાદ ગ્રામ પંચાયત દ્વારા જે પણ વિકાસ કામ હાથ ધરશે. તેનું પેમેન્ટ જે-તે એજન્સીને ચેકથી ચૂકવવાના બદલે ગ્રામ પંચાયતના સરપચ અને તલાટીમંત્રીના લેવાયેલ ડીઝીટલ સિગ્નેચર અને પ્રોફાઈલની બનાવેલ ટોકન સિસ્ટમથી થશે. આ સિસ્ટમથી વિકાસ કામમાં બેન્ક ટુ બેન્ક પેમેન્ટ પ્રકિયા ઝડપી અને પારદર્શક બનશે.

હાલ.રાજ્યભરની ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીઓના ડીઝીટલ સિગ્નેચર લઈ તેના ટોકન તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત, જિલ્લા અને તાલુકા કક્ષાએ ડીઝીટલ સિગ્નેચર કામગીરી અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. આગામી સમયમાં પ્રથમ ટ્રાયલ બેઝ અમુક જિલ્લાની ગ્રામ પંચાયતમાં અમલવારી થશે. ત્યારબાદ રાજ્યની તમામ ગ્રામ પંચાયતમાં કેન્દ્રની ગ્રામ પંચાયતમાં થતા વિકાસ કામ કરનાર એજન્સીઓને ચુકવણું બેન્ક ટુ બેન્ક ડીઝીટલ સિગ્નેચર થશે અને ચેક પેમેન્ટ થશે.

- text

‘ડીઝીટલ સિગ્નેચર’ સિસ્ટમથી થનારા ફાયદા

– ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કામમાં ચેક ચુકવણું થાય છે. ત્યારે વહીવટ પ્રકિયામાં ગેરરીતિ થવાની સંભાવના રહે છે. આ પ્રકિયાથી ગેરરીતીમાં અંકુશ આવશે અને કામગીરીમાં પારદર્શકતા વધશે.

– ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કામ જે-તે એજન્સીને સોંપવામાં આવે છે. તે નોંધણી કે તેની કાયદેસરતા હોતી નથી. આ પ્રકિયા અમલમાં આવતા નોંધાયેલ એજન્સીઓ જ કોન્ટ્રકટ લઈ શકશે. એજન્સીઓએ જરૂરી શરતોનું પાલન કરવું પડશે ત્યારબાદ તેની નોંધણી થશે.

– સામાન્ય રીતે કોઈ એજન્સી કામ પૂર્ણ કરે ત્યારે ગ્રામ પંચાયત ચેક ચૂંકવણી કરતી હોય છે. જો કે ચેક કોઈ કારણસર ગુમ થવા, ચેક લખતી વખતે ભૂલ, બેન્કમાં રજા તેમજ અન્ય કોઈ કારણસર ચુકવણું મોડું થતું હોય છે. આ સિસ્ટમથી 24થી 48 કલાકમાં પેમેન્ટ થતા ચુકવણું ઝડપી થશે.

– સોફ્ટવેરમાં ગ્રામ પંચાયત દ્વારા તેની હિસાબી બુક દરરોજ અપડેટ કરવાની રહેશે. જેના કારણે કોઈ વિકાસ માટે આવેલ ગ્રાન્ટની કેટલી રકમ છે. તેમાંથી કેટલો ખર્ચ થયો નવું વિકાસ કામ હાથ ધરવું હોય તો તેનું આયોજન સરળ બનશે.

કેવી રીતે આ સૉફ્ટવેર કામ કરશે?

– ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીના ડીઝીટલ સિગ્નેચર લેવાયા બાદ પેન ડ્રાઇવ જેવું ટોકન આપશે અને તે પાસવર્ડથી સુરક્ષિત હશે.

– ગ્રામ પંચાયતનું બેન્ક એકાઉન્ટ આ સોફ્ટવેરમાં કનેકટકેટ હશે. જેથી, ઓનલાઈન ટ્રાજેક્શન થઈ શકશે.

– કોઈપણ ગ્રામ પંચાયત પોતાના ગામમાં વિકાસ કામ માટે ઠરાવ મૂકે ત્યારબાદ તેના આધારે તેની ઓનલાઇન એન્ટ્રી કરવાની રહેશે. તેના આધારે ગ્રાન્ટની રકમ કેટલી છે કેટલું કામ થઈ શકશે.

– વિકાસ કામનું લોકેશન ટ્રેકિંગ થશે. જેથી. જે કામની દરખાસ્ત થઈ છે તે જ કામ થયું છે અને તેનું જે તે એજન્સીને ચુકવણું થઈ રહ્યું છે, તેની ચોક્કસઇ આવશે.

– તલાટી મંત્રી સોફ્ટવેરમાં વાઉચર બનાવશે. સરપંચ મંજુર કરશે અને તેના આધારે ચુકવણું થશે. અને ઓનલાઇન એન્ટ્રી થતા તેની ચકાસણી થઈ શકશે.

- text