સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જાણો ટંકારાની કલ-આજ ઓર કલ

- text


શિક્ષણ, સ્વાસ્થ્ય, ખેતી, ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની શું છે સ્થિતિ?

ટંકારા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બન્ને મુખ્ય પક્ષોએ ઉમેદવારીના દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દીધો છે. બેનરોમાં પોતાનો ફોટો છપાવવા બેઠકો કરતાં ઘણા વધુ ઉમેદવારોએ પોતાની દાવેદારી માટે દાવ ખેલ્યો છે. ત્યારે મતદારોને રીઝવવાના દાવપેચ પણ શરૂ થવામાં છે. એવા સમયે ટંકારા તાલુકાની સમગ્રત: સ્થિતિ વિશે જાણવું રસપ્રદ રહેશે.

તાલુકા પંચાયતમાં કુલ ૧૬ બેઠકો છે. જેમાં ગત ટર્મમાં કોંગ્રેસે સોળે સોળ બેઠકો અંકે કરી ભાજપનો ક્લીન સ્વીપ કર્યો હતો. જીલ્લા પંચાયતની ત્રણ બેઠકોમાંથી પણ કોંગ્રેસે ત્રણેય બેઠકો કબજે કરી હતી. ગત પાંચ વર્ષ સુધી આમ તો દેખીતી રીતે કોંગ્રેસનું શાસન જ રહ્યું, પરંતુ તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્યોમાં યાદવાસ્થળી જોવા મળી હતી. એક સમયે તો તાલુકા પંચાયતની તાળાબંધી કરવાની નોબત પણ આવી હતી. ટંકારા તાલુકામાં કુલ ૬૮૦૫૭ મતદારો છે. જેમાં પાટીદારની વસ્તી સૌથી વધુ છે.

ટંકારાએ ઉધોગ ક્ષેત્રે હરણફાળ ભરી છે. કોટન જીન ઓઈલ મિલો, સ્પિનિંગ મિલો, પોલિપેક, પેકેજીંગ, સિમેન્ટ પાઈપ, દિવાલ ધડીયાર અને સૌથી મોટો ઈમિટેશનના ગુહઉધોગ ટંકારા તાલુકામાં ધમધમે છે. ટંકારા તાલુકામાં ૪૫ ગામડા વચ્ચે ૧ જીઆઇડીસી આવેલી છે.

ટંકારા તાલુકાની તમામ નદીઓ સીધી દરિયા સાથે ભળી જાય છે, એટલે તમામ નદીઓ સીધી દરિયા સાથે જ જોડાયેલી છે. જમીનનો મોટો ભાગ ખેતી લાયક હોવાથી કૃષિ સાથે સંકળાયેલો છે. ટંકારા તાલુકો મહદઅંશે વરસાદ આધારિત ખેતી સાથે જોડાયેલ છે. છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો સૌથી વધુ વરસાદ ટંકારામાં નોંધાયો છે. સિંચાઈ માટે ૪ ડેમ છે. નર્મદાની ‘સૌની યોજના’ની મુખ્ય લાઈન અહીંથી પસાર થતા નદીમાં પાણી મળતુ રહે છે.

વૈચારિક ક્રાંતિના જનક અને મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમી ટંકારા છે. જેણે આર્યસમાજની સ્થાપના કરી હતી. તદ ઉપરાંત જગ વિખ્યાત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, ભિમનાથ મહાદેવ મંદિર સહિતના ધાર્મિક સ્થાનો ટંકારમાં અધ્યાત્મ વાતાવરણ પૂરું પાડે છે.

- text

ટંકારાની આટલી વિશેષતાઓ હોવા છતાં ટંકારાના છેવાડે આવેલા ગામડામાં પિવાના પાણી અને સિંચાઇ કેનાલના વર્ષોથી અધૂરા કામો એ સૌથી મોટી સમસ્યા છે. તાલુકામાં નર્મદા આધારિત પીવાના પાણી સુવિધા ઉપલબ્ધ હોવા છતાં જોકે અનેક વિસ્તારોમાં છેવાડાના વિસ્તારો સુધી પાણી નહીં પહોંચવાની વ્યાપક સમસ્યા છે.

ટંકારા તાલુકામાં હાલ માત્ર ૧ જ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને મોટા ગામડામાં પેટા આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે..ટંકારા તાલુકામાં ખાનગી શાળાઓની સંખ્યા ૧૫ છે. જ્યારે સરકારી ૬૦ પ્રાથમિક શાળા, ૬ માધ્યમિક અને ૫ ઉચ્ચ માધ્યમિક શાળા, ૨ કોલેજ અને ૨ આઈ.ટી.આઈ આવેલી છે.

તાલુકાના તમામ ૪૫ ગામ સીધા જ પાકા રસ્તાથી જોડાયેલા છે. જોકે ઘણા ખરા રોડ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. તાલુકાની જનતાને સુવિધાઓ આપવામાં રાજકીય ઈચ્છા શક્તિનો કાયમ અભાવ રહ્યો છે. ટંકારાને હંમેશા બહારના નેતાઓ જ મળ્યા છે. લોકો એવા સક્ષમ સ્થાનિક નેતાની રાહમાં છે જે સરકાર સાથે સીધો સંવાદ કરી શકે.

ટંકારાને રાજકોટ મોરબી રોડને ચાર માર્ગીય બનાવવાની યોજનાને આવકારવી પડે પરંતુ કોન્ટ્રાક્ટરની અણઘડ કામગીરીથી શહેરની જનતા જ નહી પરંતુ રાજ્યના મુસાફરોને પણ અહીં પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. અનેક લોકો ખખડધજ માર્ગોને કારણે ઘાયલ થતા રહે છે. સાથોસાથ વાહનોમાં મોટુ નુકશાન થયું રહે છે. વર્ષો પૂર્વે આરંભાયેલું ઓવરબ્રિજનું કામ હજુ પણ અધરૂ છે જે ક્યારે પુર્ણ થશે એ કોઈ જાણતું નથી.

નગરપાલિકાના ફાયરબ્રિગેડ, બસ સ્ટેન્ડ, ટ્રેઝરી, શહેરમાં ટ્રાન્સપોર્ટ સુવિધા કચેરીની આધુનિકતા અને અણઘડ વહીવટ, અકસ્માતનો ઝોન હોવા છતાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપુરતી સુવિધા સાધનોની અછત અને મહેકમનો પ્રશ્ન વર્ષો જૂનો છે.

આમ ટંકારાનો સમતોલિત વિકાસ હજુ થયો નથી. વિવિધ સમસ્યાઓથી ગ્રસ્ત ટંકારાને કોઈ એવા સ્થાનિક નેતાઓની આવશ્યકતા છે જે રાજ્ય કક્ષાએ સ્થાનીય સમસ્યાને ઉજાગર કરી શકે અને તેનું નિરાકરણ લાવવાની ક્ષમતા ધરાવતા હોય.

- text