મોરબીના બાળકોથી માંડી મોટેરાંઓએ આર્થિક યોગદાન આપી રામભક્તિનો પરિચય આપ્યો

- text


મોરબી : અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા રામમંદિર માટે દેશભરમાંથી દાનની સરવાણી વહી રહી છે. મોરબી જિલ્લાના લોકો પણ યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. ત્યારે મોરબીમાં બાળકોથી લઇ વૃદ્ધો રામમંદિર તીર્થક્ષેત્ર સંસ્થામાં પોતાનો ફાળો નોંધાવી રહ્યા છે.

મોરબી : 10 વર્ષના તીર્થ ત્રિવેદી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી, નિત્યપૂજા કરવાનો અનોખો સંકલ્પ

મોરબી : મોરબીના 10 વર્ષના બાળક તીર્થ રવીન્દ્રભાઈ ત્રિવેદીનો તા. 26 જાન્યુઆરીના રોજ જન્મદિવસ હતો. તેણે તે દિવસે પોતાને જન્મદિવસની ભેટમાં મળેલા રૂ. 5,555 રામજન્મભૂમિ મંદિર નિર્માણ માટે સમર્પણ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ભીમજીભાઈ અધારા, અલ્પેશભાઈ ગાંધી તથા એબીવીપીના સર્વે કાર્યકર્તાઓએ તેની આ પહેલને વધાવી હતી. આ ઉપરાંત, ઘરે પુજા-અર્ચના સાથે રામ દરબારનું સ્થાપન કરી રામમંદિર નિર્માણ સુધી તેની નિત્ય પુજા કરવાનો સંકલ્પ કર્યો હતો.

વધુમાં, આ અવસરે ભારત વિકાસ પરિષદના માધ્યમથી અંદાજે 200 જરુરિયાતમંદ પરિવારોને વસ્ત્ર વિતરણ તથા ફુડ પેકેટ વિતરણ કરી તેઓને શિયાળામાં હુંફ આપવાનો પ્રયત્ન થયો હતો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ દિલીપભાઈ પરમાર, ખજાનચી પંકજભાઈ ફેફર, મનીષભાઈ કુંડારીયા ચિરાગભાઈ હોથી, ચેતનભાઈ સાણંદિયા તથા પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા નાના તીર્થને આ માટે અભિનંદન પાઠવ્યા હતા.

મોરબીમાં ધો. 2ના વિદ્યાર્થીએ પોકેટમનીના રૂ. 1 હજાર રામમંદિર માટે અર્પણ કર્યા

મોરબી : અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ થવાનું છે. મોરબીમાં રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થાનું રામમંદિર નિર્માણ હેતુ સમર્પણ નિધી એકત્ર કરવા કાર્યાલય શરુ કરાયું છે. ત્યારે મોરબીના એક બાળક નામે દેવાંશ અલ્પેશભાઈ ગાંધી કે જે શિશુમંદિરમાં ધો. ૨માં અભ્યાસ કરે છે, તેણે કાર્યાલય પર આવીને પોતાની બચતના 1000 રૂપિયા રામમંદિર માટે અર્પણ કર્યા છે. ત્યારે રામમંદિર એ જ રાષ્ટ્રમંદિર નો ભાવ સાર્થક થવા જઈ રહ્યો છે. તેમ યાદીમાં જણાવાયું છે.

રામમંદિર નિર્માણ માટે વધુ એક બાળક દ્વારા પોકેટમની અર્પણ કરાઈ

મોરબી : રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણ પામી રહ્યું છે. આ અંગે બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ એક બાળક વેદાંત હિરેનભાઈ પારેખ દ્વારા પોતાના પોકેટમનીની બચતના કુલ રૂ. 5856 રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્યાલય ખાતે અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વિપુલભાઈ અઘારા, જ્યોતિસિંહ જાડેજા, લલિતભાઈ ભાલોડિયા, અશ્વિનભાઈ કોટક, જયંતિભાઈ રાજકોટીયા, જયદિપભાઈ કંઝારીયા, રણછોડભાઈ કુંડારીયા તથા પિતા હિરેનભાઈ પારેખ સહિતના આગેવાનોએ બાળકની રામભક્તિને બિરદાવી હતી.

- text

મોરબીના આધેડે મહિનાનો પગાર રામમંદિર નિર્માણ માટે અર્પણ કર્યો

મોરબી : હાલમાં મોરબી જિલ્લાના લોકો અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા રામમંદિર માટે દાનની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે મોરબીના કલાકાર ચેતનભાઈ સનારીયાના પિતા અમરશીભાઇ સવજીભાઈ સનારીયાએ એક મહિનાનો પૂરો પગાર રામમંદિર નિર્માણ માટે અર્પણ કર્યો છે. આમ, અમરશીભાઇએ રામભક્તિનો પરિચય આપ્યો છે.

મોડપર ગામના બે ભજનમંડળો દ્વારા રામમંદિર નિર્માણ કાર્યમાં આર્થિક સહાય

મોરબી : રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થા દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણ પામી રહ્યું છે. આ અંગે નિધી સમર્પણ અભિયાન અંતર્ગત માળીયા તાલુકાના વિવિધ ગામોમાં જોરદાર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જે અંતર્ગત મોડપર ગામના ધુન-ભજન-કિર્તન સાથે સંકળાયેલા શિવાલય ગોપી મંડળ દ્વારા રૂ. 5000 તથા રામજીમંદિર ગોપી મંડળ દ્વારા રૂ. 5000 નું સમર્પણ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત, શ્રમીકો, ખેતમજદુરો સહિતના નાનામાં નાના માણસો દ્વારા પણ અપેક્ષા કરતાં વધુ નિધિ સમર્પણ કરી અનન્ય રામભક્તિનો પરીચય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકાના ચાચાપર, ખાનપર, જબલપુર સહિતના વિવિધ ગામોમાં પણ રામરથના સામૈયા તથા પુજન-અર્ચન સાથે નિધી સમર્પણ અભિયાનમાં તમામ ગ્રામજનો અનેરા ભક્તિભાવથી જોડાયા હતા.

- text