મોરબીમાં બેઠાપુલ નજીક ઝુંપડાઓનું ડીમોલીશન, ગોલા બજારનું સ્થળાંતર કરાશે

- text


મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા હલ કરવા પાલિકાની કાર્યવાહી

મોરબી : મોરબીના દરબાર ગઢ પાસે મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ગોલા બજારને કારણે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે. ત્યારે મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નગરપાલિકાએ ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બન્ને પુલ નીચે આવેલા બેઠાપુલની બાજુની ઝૂંપડપટ્ટી ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. ઝુંપડા હટાવી દઇને જમીન સમથળ કરી દેવામાં આવી છે. હવે આ જગ્યાએ મહેન્દ્ર ડ્રાઈવ રોડની ગોલા બજારનું સ્થળાંતર કરાશે.

મોરબીના બન્ને પુલના છેડે દરબાર ગઢ તરફ જવાના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર વર્ષોથી રસગોલાની બજાર ભરાઈ છે. આ રોડ ઉપર અનેક દુકાની તેમજ બહાર રેકડીઓ નાખીને બરફના રસગોલાનું વેચાણ થાય છે. તેથી, આ રોડ ઉપર ભારે ભીડ એકઠી થાય છે. તેમાંય ઉનાળાની ગરમીમાં મોટાભાગના લોકો અહીંયા ગોલાના સ્વાદ માણવા ઉમટી પડતા હોવાથી રાત્રીના સમયે ભારે ટ્રાફિકજામ સર્જાઈ છે.

લોકોની અતિશય ભીડને કારણે મહેન્દ્ર ડ્રાઈવ રોડ સાંકડો પડી જાય છે અને વાહન પરિવહન ઉપર માઠી અસર થાય છે. તેથી, મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સહિતની ટીમે બન્ને પુલ નીચેના બેઠાપુલની બાજુમાં રહેલી ઝૂંપડપટ્ટી ઉપર ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરી હતી અને જેસીબીની મદદથી બેઠાપુલની બાજુમાં ખડકયેલાં ઝુંપડાને તોડી પાડવામાં આવ્યા હતા. અહીંયા ઝુંપડા હટાવીને જમીન સમથળ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં બેઠાપુલ પાસે મહેન્દ્ર ડ્રાઈવ રોડની ગોલા બજારને શિફ્ટ કરી દેવામાં આવશે.

- text

- text