કોલ સેન્ટરની ચિટર ગેંગ હાઈ એજ્યુકેટેડ નીકળી, દરરોજ આઠેક લાખનો વકરો કરતી હોવાનું તારણ

- text


 

‘ઉપરી’ સ્ક્રીપ્ટ આપતા તે મુજબ ગેંગ કામ કરતી, ‘ઉપરી’ છે કોણ તે તપાસનો વિષય

માળીયા મી.: ગત મોડી રાત્રે માળીયા મી.ના મોટી બરાર ગામેથી ઝડપાયેલી 9 ચીટર ટોળકીની વિસ્તૃત તપાસ કરતા બહાર આવેલી વિગતો જાણી પોલીસ પણ અચંબિત થઈ ગઈ હતી. સુનિયોજિત રૂપે ગોઠવાયેલું વ્યવસ્થાતંત્ર, વેલ એજ્યુકેટેડ 8 યુવાનો સહિત 1 યુવતી પોતાના ભણતરનો સદુપયોગ કરવાને બદલે અવળા રસ્તે ચડેલા જોઈ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

આરોપીની મોડેસ ઓપરેન્ડી (કામ કરવાની પદ્ધતિ) એવી હતી કે, બ્રિટનના નાગરિકોને મેસેજ કરી, ‘તમારો ટેક્ષ બાકી છે જે ભરી આપશો, નહીં તો તમારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે’ તેમ જણાવી બ્રિટન સ્થિત બેન્કોના અલગ-અલગ એકાઉન્ટ નંબર આપી ટેક્સ પેટે બ્રિટનના ચલણ પાઉન્ડ જે તે એકાઉન્ટમાં જમા કરાવી લેતા હતા. આ માટે તમામ લેપટોપને જોડીને એક સર્વર પણ બનાવવામાં આવેલુ હતું. ખૂબ જ વ્યવસ્થિત રીતે ઑનલાઇન મેનેજ કરાતા આ સ્કેન્ડલમાં બ્રિટનના નાગરિકો સાથે બ્રિટનના ટોનમાં ઈંગ્લીશમાં વાતચિત કરવા માટે તાલીમબદ્ધ માણસોનો સ્ટાફ હતો. તેમજ શું વાતચીત કરવી તે અંગેની પૂરી સ્ક્રિપ્ટ પણ દરેક લેપટોપમાંથી મળી આવી હતી. ઉપરોક્ત બોગસ કોલસેન્ટર આઈડી આઈબીમ સોફ્ટવેરનો ઉપયોગ કરી ચલાવવામાં આવતું હતું. બ્રિટનના નાગરિકોને બ્લાસ્ટિંગ કરી ટેક્સ બાકીના મેસેજ મોકલવામાં આવતા હતા. ત્યારબાદ જે નાગરિકનો ફોન આવે તેની સાથે વાતચીત કરી તેઓને શીશામાં ઉતારવામાં આવતા અને બ્રિટન સ્થિત બેંકોના અલગ અલગ એકાઉન્ટ નંબર આપી પાઉન્ડ તેમાં ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા.

- text

અત્યાર સુધીમાં બ્રિટનના કેટલા નાગરિકો સાથે ખોટા મેસેજ અને ફોન કરીને છેતરપિંડી કરી છે તેનો આંકડો વિસ્તૃત તપાસ કર્યા બાદ જ બહાર આવશે. વધુ તપાસમાં હજુ આ કોલ સેન્ટરના તાર ક્યાં ક્યાં અડે છે એ સામે આવશે. હાલ તો માળીયા (મી)માંથી આવું જબરું નેટવર્ક ઝડપાતા મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી છે. જો કે પકડાયેલા આરોપીઓ તો માત્ર પ્યાદા છે. કારણ કે પોલીસના જણાવ્યા મુજબ આ આરોપીઓને એક ઉપરી સ્ક્રિપ્ટ આપી દેતા હતા એ પ્રમાણે આરોપીઓ કામ કરતા હોવાનું રટણ કરી રહ્યા છે. આથી આ ઉપરી કોણ છે તે બાબત હજુ રહસ્ય છે. પ્રકરણમાં આ શતરંજનો માહિર ખેલાડી તો કોઈ ઓર જ હોવાની શક્યતા છે. ત્યારે આ બનાવની તપાસ હવે પડદા પાછળ છુપાયેલા મહારથી બેનકાબ થશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે.

ડીવાયએસપી પઠાણે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, મોટી બરાર ગામે 9 આરોપીઓ ત્રણ મહિનાથી કોલ સેન્ટર ચલાવતા હતા. પેટ્રોલ પંપની માલિકીના બે માળના બિલ્ડીંગમાં જ કોલ સેન્ટર સ્થાયી હતું. તમામ આરોપીઓ એ જ બિલ્ડીંગમાં રહેતા હતા. આ બિલ્ડીંગ ભાડેથી લીધું હતું. જ્યારે તમામ આરોપીઓ વેલ એજ્યુકેટેડ છે અને તેઓને તગડો પગાર પણ મળતો હોવાની શકયતા છે.

ચિટર ગેંગે અત્યાર સુધીમાં બ્રિટનના નાગરિકો પાસેથી કેટલા પાઉન્ડ ખંખેર્યા તેની કોઈ વિગત હજુ પોલીસ દ્વારા જાહેર થઈ નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પણ મળતી માહિતી અનુસાર આ ચિટર ગેંગ એક વ્યક્તિ પાસેથી અંદાજે 800 પાઉન્ડ ખેંખેરતી હતી. દરરોજ તેઓની જાળમાં અંદાજે 8થી 10 વ્યક્તિ ફસાઈ પણ જતા હતા. એટલે એક અંદાજ પ્રમાણે આ ચિટર ગેંગની દૈનિક આવક 8 લાખ જેવી થતી હતી. આ મામલે આવનારા દિવસોમાં જબરા ખુલાસા થવાની સંભાવના હાલ વ્યક્ત થઈ રહી છે.

- text