મોરબી : દોડવીર ડો. અનિલ પટેલે વધુ એક મેરેથોનમાં સિદ્ધિ મેળવી

- text


આર્મી ડે નિમિત્તે અમદાવાદ ખાતે 21 કિમીની મેરેથોનમાં મેદાન માર્યું

મોરબી : મોરબીના દોડવીર ડો. અનિલભાઈ પટેલે વધુ એક મેરેથોનમાં સિદ્ધિ મેળવી હતી. તેમણે આર્મી ડે નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલી 21 કિમીની મેરેથોનમાં મેદાન માર્યું હતું અને જૈફ વયની ઉંમરે પણ તેઓએ આ મેરેથોનમાં ભાગ લઈને યુવાનોને શરમાવે તેવી ચપળતા અને સ્ફૂર્તિ દર્શાવી હતી.

મોરબીના 65 વર્ષીય ડો. અનિલભાઈ પટેલ જૈફ વયના હોવા છતાં પણ નિયમિત વ્યાયામને કારણે ખડતલ યુવાનો જેવી તંદુરસ્તી ધરાવે છે. જૈફ વયની ઉંમરે ભલભલા અનેક બીમારીઓના શિકાર બની જાય છે. ત્યારે એક ડોકટર હોવાના નાતે દર્દીઓની સાથે પોતાના આરોગ્યની પણ ઉમદા રીતે ખેવના કરે છે અને નિયમિત શારીરિક વ્યાયામ અને શુદ્ધ પૌષ્ટિક આહારને કારણે આ તબીબને આટલી ઉંમરે નખમાંય બીમારી નથી. તેમજ આ ઉંમરે પણ દોડવાની મેરેથોન સ્પર્ધામાં ભાગ લઈને સિદ્ધિઓ મેળવીને તેમની ઉંમરના લોકોને પ્રેરણા આપી રહ્યા છે.

- text

ત્યારે અનેક મેરેથોન સ્પર્ધામાં ભાગ લઈ ચૂકેલા ડો. અનિલભાઈ પટેલે આર્મી ડે નિમિત્તે અમદાવાદની એલ.એસ. સ્પોર્ટ્સ સંસ્થા દ્વારા યોજાયેલી વર્ચ્યુઅલ મેરેથોન સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સરદાર પટેલ રોડ ઉપર કોરોનાની ગાઈડ લાઇનને ધ્યાનમાં રાખી યોજાયેલી વર્ચ્યુઅલ 21 કિમીની મેરેથોનમાં તેઓએ મેદાન માર્યું હતું. આ ઉપરાંત, તેમના પુત્રી અમીબેન અને જમાઈએ 10 કિમીની મેરેથોનમાં ભાગ લીધો હતો તેમજ તેમની પુત્રીના એરવાડિયા કુટુંબના સભ્યોએ પણ 10 કિમીની મેરેથોન પુરી કરી હતી. આ તમામને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા.

- text