ટંકારાના સજ્જનપર અને ગણેશપરમાં મંદિરની દાનપેટીની ચોરી

- text


છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોએ ટંકારા પંથકના મંદિરોને નિશાન બનાવતા લોકોમાં ઉગ્ર આક્રોશ

ટંકારા : ટંકારા પંથકમાં તસ્કરોએ ચોરીનો કસબ અજમાવવા ખાસ મંદિરોને ટાર્ગેટ કર્યા છે. જેમાં ગતરાત્રે વધુ બે મંદિરોને નિશાન બનાવ્યા હતા અને તસ્કરોએ ટંકારાના સજ્જનપર અને ગણેશપરમાં મંદિરની દાનપેટીની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. મંદિરોમાં ચોરીના બનાવો બનતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

ચોરીની ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના ગણેશપર ગામે ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો ગામના બહુચરાજી મંદિરની દાનપેટી ચોરી કરી ગયા હતા. આ રીતે તસ્કરોએ ટંકારાના સજ્જનપર ગામે આવેલા બાપા સીતારામ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌમાતાના મંદિરને નિશાન બનાવ્યું હતું અને તસ્કરો આ ગૌમાતાની મંદિરની દાનપેટી ઉઠાવી ગયા હતા. જો કે આ મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરનાર બે શખ્સો કેદ થઈ ગયા હતા. જ્યારે આ મંદિરની દાનપેટીમાં એક વર્ષની રકમ ભેગી થઈ હતી અને આગામી દિવસોમાં જ આ દાનપેટી ખોલવાની હતી. તે પહેલાં જ તસ્કરો કળા કરી ગયા હતા. આ બનાવ અંગે બાપા સીતારામ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટએ ટંકારા પોલીસને રજુઆત કરીને ચોરીના બનાવની યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હમણાંથી તસ્કરોએ ટંકારા પંથકના મંદિરોને ટાર્ગેટ કર્યા છે. જેથી, મંદિરોમાં ઉપરાછાપરી ચોરીની ઘટના સામે આવી હતી. અગાઉ તસ્કરોએ ટંકારાના નાના જડેશ્વર મંદિરમાં ચોરી કરી હતી. તેમજ ઉપલા જડેશ્વર મંદિરને પણ નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ વધુ બે મંદિરોમાં ચોરીની ઘટના સામે આવી છે. છેલ્લા ચાર-પાંચ દિવસો દરમિયાન મંદિરોમાં ચોરીની ઘટના બનતા સ્થાનિક લોકોએ પોલીસ નાઈટ પેટ્રોલિંગ અસરકારક બનાવે તેવી માંગ કરી છે.

- text

 

- text