હવે તો, મોરબી અને વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેન શરૂ કરો : સામાજિક કાર્યકર

- text


સામાજિક કાર્યકરની વડાપ્રધાન અને કેન્દ્રીય રેલવે મંત્રીને રજુઆત : કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ મોરબી સ્ટોપ થતી તમામ ટ્રેનો ફરી ચાલુ કરવાની માંગ

મોરબી : મોરબીમાં આમ પણ રેલવેની સુવિધાઓ અપૂરતી છે. ત્યારે થોડી ઘણી રેલવે સેવાઓ પણ કોરોનાને કારણે છેલ્લા આઠ માસ કરતા વધુ સમયથી બંધ છે. હાલ અત્યારે માલવાહક ટ્રેનો જ દોડે છે. ત્યારે હવે કોરોના ધીમો પડતા સામાજિક કાર્યકરે વડાપ્રધાન અને કેન્દ્રીય રેલવે મંત્રીને રજુઆત કરીને હવે તો મોરબી અને વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેન શરૂ કરો તેવી માંગણી કરી છે.

મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન મોરબીવાસીઓ માટે ઘણી જ મહત્વપૂર્ણ સેવા છે. ઘણા નોકરિયાત વર્ગ, મજૂર વર્ગ સહિત હજારો દૈનિક અપડાઉન કરે છે. જેમાં સીરામીક સાથે સંકળાયેલા લોકો ડેમુ ટ્રેન મારફત મોરબી અને વાંકાનેર વચ્ચે આવેલા સીરામીક કારખાનામાં રોજી રોટી અર્થે જાય છે. તેમજ નોકરિયાત વર્ગ તથા વાર-તહેવારે બહાર જતા લોકો આ ડેમુ ટ્રેન મારફત વાંકાનેર પહોંચીને ત્યાંથી અન્ય બહારગામની ટ્રેન પકડે છે.

- text

કોરોનાને કારણે આ ટ્રેન બંધ હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડે છે. જેમાં ડેમુ ટ્રેનમાં રૂ. 10નું ભાડું છે. જ્યારે ખાનગી વાહનોમાં રૂ. 30 નું ભાડું છે. આથી, લોકોને આર્થિક ખોટ સહન કરવી પડે છે. જો કે હવે વાંકાનેરથી ટ્રેનો ચાલુ થઈ ગઈ હોય આ ડેમુ ટ્રેનની સાથે મોરબી સ્ટોપ થતી અન્ય ટ્રેનો ચાલુ કરવા માટે સામાજિક કાર્યકર જયેશ મકવાણાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

- text