આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ : દુનિયાનો એક માત્ર ગ્રંથ એવો છે કે જેની જયંતિ ઊજવાય છે!

- text


માત્ર શ્રીકૃષ્ણ અને અર્જુનનો સંવાદ નહીં પણ નાત-જાતના સીમાડાને પાર સમગ્ર માનવસમાજ માટેનો ગ્રંથ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા!

મોરબી : ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, મહિનામાં ‘માગશર’ મહિનો હું છું. આજે માગશર સુદ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી છે. મોક્ષદા એકાદશીના દિવસે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કુરુક્ષેત્રનાં મેદાનમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આથી, આ દિવસને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ દ્વાપર યુગમાં રચાયેલ પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગ્રંથ ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં નાત-જાતના સીમાડાને પાર સમગ્ર માનવસમાજ માટેનો ગ્રંથ છે.

ભારતના બે આદિગ્રંથો પૈકીનું મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચેલું છે. મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચે ચાલતા સંઘર્ષ અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક, અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવે છે. યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ, યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગે છે. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સૂઝતાં કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. ગીતા જ્ઞાન દરમિયાન એક વાર ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને પોતાના વિશ્વરૂપ દર્શન કરાવે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. ભીષ્મ પર્વમાં 25થી 42 સુધીના 18 અધ્યાય શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે પ્રચલિત છે.

મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે. જેમાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે. થોડા શ્લોકોના અપવાદ સિવાય ગીતાના તમામ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. ગીતાના અધ્યાયોનાં નામ મહાભારતમાં આપ્યા નથી પરંતુ પાછળથી લગભગ શંકરાચાર્યએ અધ્યાયોને નામ આપ્યા છે. અમુક ભાષ્યકારોએ ગીતાને ત્રણ ભાગમાં વહેંચી છે, જે છે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. હિન્દૂ સંસ્કૃતિમાં ભગવાન વિષ્ણુના દરેક અવતારોની જયંતિ ઊજવાય છે. પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા દુનિયાનો એક માત્ર ગ્રંથ એવો છે કે જેની જયંતિ ઊજવાય છે.

- text

ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. અર્જુનની દુવિધાને દૂર કરવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સવિસ્તાર તેને વિસ્તારપૂર્વક સમજૂતી આપે છે. ગીતામાં જીવનનું ગૂઢ જ્ઞાન ધીરે-ધીરે અર્જુનના તમામ સંશયોનું નિવારણ આવે છે અને અર્જુન યુદ્ધ માટે સજ્જ થાય છે. આથી જ કહેવાય છે કે સાચી અને પૂર્ણ શ્રદ્ધા હોય તો મનુષ્ય પોતાના તમામ પ્રશ્નોનો હલ ગીતામાંથી મેળવી શકે છે. મહાત્મા ગાંધીજી એવું કહેતા હતાં કે તેઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનું અધ્યયન કરતા તો તેમને હિંમત મળતી હતી. સ્વામી વિવેકાનંદ યાત્રા કરવા નીકળ્યાં ત્યારે ગીતા સાથે રાખી હતી.

ગીતાના અઢારમા અધ્યાયના અંતે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે – સાચો માર્ગ શું છે તે મેં તને જણાવ્યું, હવે તારે જે પ્રમાણે વર્તવું હોય તે મુજબ કર. આમ, ગીતા કોઈ સામાન્ય ધર્મ ગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે.

यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥

અર્થાત, હે રાજન! જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ત્યાં શ્રી, વિજય, વિભૂતિ અને અચળ નીતિ છે, એવો મારો મત છે. (અધ્યાય-18, અંતિમ શ્લોક-78)

- text