21 ડિસેમ્બરે વર્ષનો સૌથી ટુંકો દિવસ અને લાંબી રાત્રી, 397 વર્ષ બાદ સર્જાશે ગુરુ અને શનિ ગ્રહની અદ્વિતીય યુતિ

- text


સાયન પદ્ધતિ પ્રમાણે સોમવારે સૂર્યની પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ તરફની ગતિ શરૂ થશે : શિશિર ઋતુનો પણ થશે પ્રારંભ

મોરબી : આગામી તા. 21 ડિસેમ્બરને સોમવારનો દિવસ અનેક ખગોળીય વિશેષતા ધરાવતો દિવસ બની રહેશે. વર્ષ 2020માં વિન્ટર સોલ્સટીસ એટલે કે વર્ષનો સૌથી ટુંકો દિવસ અને લાંબી રાત્રી 21 ડિસેમ્બરે જોવા મળશે. 21 ડિસેમ્બરને સોમવારે સાંજે 6.04 કલાકે સૂર્યાસ્ત થયા બાદ બીજા દિવસે 7.16ના રોજ સૂર્યોદય થવાનો છે. આથી, 21મીએ 13 કલાક અને 12 મિનિટ લાંબી વર્ષની સૌથી મોટી રાત હશે. જ્યારે 22મીથી દિવસની અવધિ ધીમે ધીમે વધતી જશે.

397 વર્ષ બાદ ગુરુ અને શનિ ગ્રહની યુતિ જોવા મળશે

આ દિવસે 397 વર્ષ બાદ ભાગ્યે જ ખગોળરસિકોનેે ગુરુ અને શનિ ગ્રહની યુતિ જોવા મળશે. ગુરુ અને શનિ ગ્રહ વચ્ચેનું વાસ્તવિક અંતર આશરે ૭૩૫ મિલિયન કિ.મી જેટલું છે. પરંતુ પોતાની પરિભ્રમણ કક્ષા અને પરીભ્રમણ વેગના કારણે સૂર્ય મંડળના સૌથી મોટા બે ગ્રહ ગુરુ અને શનિ ૧૬ થી ૨૧ ડિસેમ્બર દરમ્યાન પોતાની ભ્રમણ કક્ષામાં એકબીજા સાથેનાં કોણીય અંતરમાં સતત ઘટાડો થવાથી ૨૧ ડિસેમ્બરે બંને એકબીજાથી ૦.૧ ડીગ્રીના કોણીય અંતરે જોવા મળશે. એમ કહી શકાય કે ગુરુ ગ્રહ શનિ ગ્રહને પોતાના ખભા પર ઉચકતો જોવા મળશે.

- text

ઉલ્લેખનીય છે કે ગત ૧૬ જુલાઈ, ૧૬૬૩ના દિવસે આ પ્રકારની ઘટનાની નોંધ કરાઈ હતી. ત્યાર પછી ૨૧ ડિસેમ્બરને સોમવારે આ બંને ગ્રહો નજીક આવ્યા હોય (ખરેખર નજીક નહિ, પરંતુ બંનેની ભ્રમણ કક્ષાના અક્ષમાં થયેલ ટૂંકા સમયનો ફેરફાર) એવી ઘટના ૩૯૭ વર્ષ બાદ જોઈ શકાશે. આ ઘટના દક્ષિણ-પશ્ચિમ દિશામાં સુર્યાસ્ત બાદ ૧૬ થી ૨૧ ડિસેમ્બર દરમ્યાન નરી આંખે પણ નિહાળી શકાશે.

સાયન પદ્ધતિ પ્રમાણે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ

સાયન પદ્ધતિ પ્રમાણે સોમવારે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થશે. સૂર્યની પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ તરફની ગતિ શરૂ થશે. જેને સાયન પદ્ધતિ પ્રમાણે આપણે ઉત્તરાયણ કહીએ છીએ. જો કે નિરયન પદ્ધતિ મુજબ 14મી જાન્યુઆરીએ પતંગપર્વ ઉત્તરાયણની ઉજવણી કરીએ છીએ. આમ, 21 ડિસેમ્બર સોમવારથી શિશિર ઋતુનો પણ પ્રારંભ થશે. તા.21 ડિસેમ્બરને સોમવારનો દિવસ ઋતુ અને દિવસ-રાતની અવધિની દ્રષ્ટિએ ખાસ વિશેષતા ધરાવે છે.

- text