હળવદ : દારૂ વેચતો હોવાની શંકા સાથે યુવાનને પોલીસે માર માર્યાની કોર્ટમાં ફરિયાદ

- text


યુવાને કોર્ટમાં ફરિયાદ કરીને પોતાના ઉપર ખોટી રીતે જોર જુલમ ગુજારનાર પીએસઆઇ અને ત્રણ પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી

હળવદ : હળવદમાં ઈંગ્લિશ દારૂનું કટિંગ કર્યું હોવાની શંકા પરથી પોલીસે એક યુવાનને રાઉન્ડ અપ કરીને આકરી પૂછપરછ કરી હતી. એ દરમ્યાન પોલીસે યુવાન ઉપર બળપ્રયોગ કરીને ઢોર માર માર્યો હોવાનો પણ આક્ષેપ સાથે આ યુવાને આજે હળવદની કોર્ટમાં ફરિયાદ દાખલ કતી છે. જેમાં હળવદના પીએસઆઇ તેમજ ત્રણ પોલીસ કર્મચારીઓએ યુવાનને પોલીસ સ્ટેશને લાવીને માર માર્યા બાદ કઈ ન નીકળતા દારૂ પીવડાવીને પ્રોહીબિશનનો ખોટો કેસ કર્યો હોવાનો પણ આરોપ મૂક્યો હતો અને પોતાના ઉપર ખોટી રીતે જોર જુલમ ગુજારનાર પીએસઆઇ અને ત્રણ પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

હળવદ તાલુકાના શક્તિનગર (સુખપર) ગામે રહેતા અને એસ્ટ્રોન પેપર મીલ પાસે અનાજ કરીયાણાની દુકાન ધરાવતા સહદેવભાઈ ભુપતભાઈ અધારા નામના યુવાને આજે હળવદની કોર્ટમાં હળવદના પીએસઆઇ પનારા અને જયપાલસિંહ તથા અન્ય બે પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી કે તેઓ ગત તા.13 ના રોજ તેઓ તેમના રાજગઢ ગામે બહેનને કુટુંબ ક્લેશ થયો હોવાથી તેના મિત્ર સોલડીવાળા ભગાભાઈની ગાડી લઈને રાજગઢ ગયા હતા. જ્યાં કામ પતાવ્યા બાદ આ ગાડી પોતાની પાસે રાખી હતી.એ અરસા 200 પેટી ઈંગ્લિશ દારૂનું કોઈ સ્થળે કટિંગ થયું હતું.

- text

આથી, શક્તિનગરના યુવાને આ 200 પેટી ઈંગ્લિશ દારૂનું કટિંગ કર્યું હોવાની હળવદ પોલીસે ખોટી શંકા કરી હતી. દરમ્યાન તા.14 ના રોજ તેઓ પોતાની દુકાને હતા. ત્યારે આ દારૂની ખોટી શંકા કરીને હળવદના પીએસઆઇ અને અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓએ યુવાનને તેની દુકાનેથી ઉઠાવી લીધો હતો. યુવાનને પોલીસે બેફામ ગાળો આપી હળવદ પોલીસ સ્ટેશને લાવીને યુવાનને સુવડાવીને શરીરે આડેધડ ઢોર માર માર્યો હતો. તેમજ ક્યાં દારૂનું કટિંગ કર્યું, કોને કોને દારૂ સપ્લાય કર્યો તેમજ દારૂ ક્યાંથી લાવ્યો તે અંગે પીલિસે યુવાનની આકરી પૂછપરછ કરી હતી.

યુવાને વધુમાં જણાવ્યું હતું કે મને પોલીસે શરીરે આડેધડ માર માર્યા બાદ દારૂ અંગે કોઈ હકીકત મળી ન હતી. એટલે પોલીસે એવું કહ્યું કે તેને અહીંયા લાવ્યા છીએ તો દારૂ પીલે, તેમ કહીને યુવાનને હળવદ પોલીસ સ્ટેશનમાં જ પોલીસે દારૂ પીવડાવ્યો હતો અને તેની સામે પોલીસે દારૂ પીધેલાનો ખોટો કેસ કર્યો હતો. બાદમાં પોલીસે યુવાનને છોડી મુક્યો હતો.

ઘરે ગયા બાદ પોલીસે માર માર્યો હોવાથી બે દિવસ પહેલા યુવાનની તબિયત લથડતા ચક્કર આવવાથી પડી ગયો હતો. આથી, તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં યુવાને હળવદ પોલીસ સમક્ષ ખોટી રીતે હેરાનગતિ કરી બેફામ માર મર્યાનો આક્ષેપ કરીને આજે આ સમગ્ર મામલે કોર્ટમાં ફરિયાદ કરી હતી. યુવાન પર ખોટી શંકાથી દમન ગુજાર્યું હોવાની હળવદના પીએસઆઇ પનારા તથા ત્રણ પોલીસ કર્મચારીઓ સામે કોર્ટમાં ફરિયાદ થતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

- text