હળવદના પ્રતાપગઢ ગામે યુવાનની હત્યા મામલે ગુનો નોંધાયો, આરોપી ઝબ્બે

- text


 

મૃતકના પુત્રની ફરિયાદના આધારે હત્યા કરનાર આરોપીને રાઉન્ડઅપ કરીને કોરોના ટેસ્ટ બાદ વિધિવત ધરપકડ કરાશે

હળવદ : હળવદના પ્રતાપગઢ ગામે રવિવારે યુવાનની હત્યા થયાનો બનાવ સામે આવ્યો હતો.જેમાં યુવાન પોતાના કૌટુંબિક ભાઈની રિસામણે બેઠેલી પત્નીને તેડવા માટે તેણીના પિયર પ્રતાપગઢ ગામે ગયો હતો.ત્યારે બોલાચાલી થતા સાસરી પક્ષના એક વ્યક્તિએ યુવાન ઉપર કુહાડીથી હુમલો કરતા તેનું સારવાર દરમ્યાન મોત થતા આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો.હાલ હળવદ પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી લીધો હતો.

આ હત્યાના બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના વેગડવાવ ગામે રહેતા રમેશભાઈ ફૂંકાભાઈ વાઘેલા ઉ.વ.40 નામના યુવાનના કૌટુંબિક ભાઈ મુન્નાભાઈની પત્ની પિયરે રિસામણે બેઠી છે.આથી રમેશભાઈ ગઈકાલે બપોરે પોતાના કૌટુંબિક ભાઈ મુન્નાને સાથે લઈને તેની પત્નીને તેડવા પિયર હળવદના પ્રતાપગઢ ગામે ગયા હતા.જ્યાં પરિણીતાને તેડવા મામલે સમાધાનની વાત દરમિયાન ઉશ્કેરાયેલા કોંટુંબીક ભાઈના સાસરિયા પક્ષના વિક્રમભાઈ વાઘજીભાઈ નામના શખ્સે કુહાડીથી રમેશભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.આ હુમલામાં ગંભીર રીતે ધવાયેલા રમેશભાઈ વાઘેલાને તાકીદે વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.આથી આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

- text

હત્યાના બનાવ અંગે મૃતકના પુત્ર ખોડાભાઈ રમેશભાઇ વાઘેલાએ પોતાના પિતાની આરોપી વિક્રમભાઈ વાઘજીભાઈ નામના શખ્સે કુહાડીથી ધા મારીને હત્યા કરી હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ખૂનનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.જેમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ સર્વલેન્સની ટીમે આરોપીને રાઉન્ડઅપ કરી લીધો છે અને તેના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ વિધિવત ધરપકડ કરવામાં આવશે.

- text