ટંકારા : સીસીસી સર્ટીના ગોટાળાકાંડમાં શિક્ષકોનો હાસ્યાસ્પદ ખુલાસો,’સર્ટી આપનાર અમને છેતરી ગયા’

- text


ઉચ્ચતર પગારધોરણનો લાભ મેળવવા બોગસ સીસીસી સર્ટી જમા કરાવ્યાની રાવ બાદ હાથ ધરાયેલી તપાસમાં ચાર શિક્ષકોના સર્ટિફિકેટ બોગસ નીકળ્યા

ટંકારા : ટંકારામાં અમુક શિક્ષકોએ ઉચ્ચતર પગારધોરણનો લાભ મેળવવા બોગસ સીસીસી સર્ટિફિકેટ કર્યા હોવાની ફરિયાદ બાદ આ મામલે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ચાર શિક્ષકોના સર્ટિફિકેટ બોગસ હોવાનું ધ્યાને આવતા તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. જેમાં આ ચાર શિક્ષકોએ ‘તેમને સર્ટી આપનાર છેતરી ગયા’ હોવાના લુલા બચાવ સાથેનો હાસ્યાસ્પદ જવાબ રજૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત રાજ્ય શિક્ષણ સચિવને લેખિતમા નામજોગ ફરિયાદ કરનાર લવજીભાઈ આંબલિયાની વાત સાચી નિકળી છે. ચાર શિક્ષકોએ લેખિતમા સ્વીકાર્યું છે કે તેઓના સીસીસી સર્ટી ખોટા છે. તેઓએ લેખિત ખુલાસામાં વધુમાં જણાવ્યું છે કે અમને અંધારામા રાખી ખોટા સર્ટી આપી છેતરપિંડી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા જે સરકારી કર્મચારીઓ કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોય તેઓને સીસીસી સર્ટિફિકેટ ઉપર ઉચ્ચતર પગારનો લાભ આપવામાં આવે છે. જેમાં 2013માં લેવાયેલી સીસીસી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોના નામની જગ્યાએ પોતાના નામ ઉમેરી દઈ બે શિક્ષક દંપતિઓએ કૌભાંડ આચર્યુ હોવાનું સ્પષ્ટ થયું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત શિક્ષણ સંઘના ઉપપ્રમુખ શૈલેષ સાણજા તેમજ તેમના પત્ની અને હાલ ટંકારા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન મૂળજીભાઈ માકાસણા, ટંકારા તાલુકા શિક્ષણ સંઘના હાલના મહામંત્રી અને પૂર્વ જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી ખોડાભાઈ દેસાઈ તથા તેમના પત્ની ગંગાબેન રામજીભાઈ દેસાઈએ ઉચ્ચતર પગાર મેળવવાની લાલચમાં પાસ થયેલા ઉમેદવારોના સર્ટીફીકેટના ચેડા કરી પોતાના નામ ઉમેરી દઈને જમા કરાવી દીધા હતા. અને પાસ થયેલ હિંમતભાઈ ભીમાભાઇ તંત, ભરત કુમાર પરસોતમભાઈ પટેલ, વિક્રમકુમાર માલજીભાઈ દેસાઈ અને બાબુભાઈ મીઠાભાઈ બારીયાને નાપાસ જાહેર કરાવ્યા હોવાની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

આ આખો મામલો ગાંધીનગર સચિવ સુધી પહોંચ્યો હોય તપાસના આદેશ છૂટયા હતા. જેમા તપાસ કરતા ઉપરોક્ત ચાર શિક્ષકોના સર્ટીમાં ક્ષતિ જણાઈ હતી જેથી તેઓને રૂબરૂ જવાબ આપવા બોલાવ્યા હતા. જેમા ચારે શિક્ષકોએ પોતે છેતરપીંડીનો શિકાર બન્યાનું લેખિતમા જણાવ્યું હતુ હવે આ જવાબ જીલ્લા શિક્ષણ અધિકારી મોરબીને રીપોર્ટ કરાયો છે જેના પર શું પગલા ભરાય છે તેના પર સૌની મીટ છે. હાલ આ મુદ્દો શિક્ષણ જગતમાં ચર્ચાસ્પદ બન્યો છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text