કેનાલ રોડ પર રીપેરીંગના નામે ડામરના થીગડાથી વાહનચાલકોની પરેશાની યથાવત

- text


મોરબી : આ વર્ષે ચોમાસા દરમ્યાન મોરબી શહેર જિલ્લાના મુખ્ય માર્ગો તથા આંતરિક માર્ગોની હાલત દયનિય બની હતી. ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું હતું. વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. નાગરિકોએ રસ્તા પર આવી રોષ પણ વ્યક્ત કર્યો હતો. જો કે એ સમયે તંત્ર તરફથી બાંહેધરી આપવામાં આવી હતી કે ચોમાસુ નિષ્ક્રિય થયા બાદ તમામ રોડ રસ્તા રીપેર કરવામાં આવશે. અલબત્ત હાલ રિપેરીંગના નામે માર્ગો પર થિગડા મારવાનું શરૂ થતાં લોકોની આશા ઠગારી નીવડી છે.

રવાપર રોડથી રફાળિયા સુધીના કેનાલ રોડ પર હાલ રિપેરીંગના નામે થિગડા મારવાનું શરૂ થતાં લોકોમાં નારાજગી વ્યાપી છે. હાલ ચાલી રહેલા કામની ગુણવત્તા બાબતે લોકોના મનમાં અત્યારથી જ સવાલો ઉદ્દભવી રહ્યા છે. ઉપરોક્ત માર્ગ પર લગભગ 25થી 30 સ્પીડબ્રેકરો ખડકી દેવાતા વાહનચાલકોમાં નારાજગી પ્રવર્તી રહી છે.

ઉપરોક્ત માર્ગ પર પુલ નિર્માણ બાદ ડેમ પાસે પુલની બન્ને બાજુના માર્ગનો ટુકડો બનાવાયો જ નથી. હાલ કહેવાતી માર્ગ રીપેરીંગની કામગીરી એટલી અણધડ રીતે થઈ રહી છે કે ઉક્ત માર્ગ પર ખાડાઓ રહી જતા હોવાનું વાહન ચાલકોનું કહેવું છે. કેનાલ રોડ પર માત્ર બાઇક ચાલી શકે એટલો રસ્તો પહોળો કર્યો છે જ્યાં પણ ઠેક ઠેકાણે ડામરકામ બાકી રહી ગયાનું સ્પષ્ટ દેખાતું હોવા છતાં એન્જીનિયરોની નજરમાં એ કેમ નહિ આવતું હોય એવો સવાલ આમ નાગરિક પૂછી રહ્યો છે.

આ માર્ગ પરથી રોજ સેંકડો લોકો દિવસમાં બે વાર અપડાઉન કરતા હોય એવા વાહનચાલકો પારાવાર પરેશાની ઉઠાવી રહ્યા છે. માર્ગ રિપેરીંગના નામે કરાતો લાખો રૂપિયાનો ધુમાડો અંતે તો નાગરિકોના ટેક્ષના પૈસે જ થતો હોય લોકો વ્યથિત છે. ઉલ્લેખનીય છે કે, રાધેશ્યામ પેપર મિલ પાસે એક સદગૃહસ્થે રોડની સમસ્યાથી ત્રસ્ત થઈ સ્વ ખર્ચે અંદાજે પાંચેક લાખ રૂપિયાનો ખર્ચ કરી લોકોની હાડમારી દૂર કરવા વિનમ્ર પ્રયાસ કર્યો હતો. જ્યારે તંત્ર દ્વારા થતા કામોને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text