કોરોનાગ્રસ્ત મૃતકના અંગો પર સંશોધન કરતા ડો. હેતલ ક્યાડા વિષે શૈલેષ સગપરિયાનો લેખ

- text


‘તમે શુદ્ધ હૃદયથી અને શુદ્ધ ભાવનાથી માનવજાત માટે કોઈ કામ કરો તો પરમ શક્તિ પણ તમને મદદ કરે છે.’ : ડો. હેતલ ક્યાડા

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે ત્યારે આ વૈશ્વિક મહામારીને નાથવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો જુદા જુદા સંશોધનો કરી રહ્યા છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા તરીકે સેવા આપતા મારા મિત્ર ડો.હેતલ ક્યાડાએ પણ લોકકલ્યાણ માટે એક અનોખો યજ્ઞ આદર્યો છે. કોરોનાના કારણે અવસાન પામતા જુદી જુદી વયના અને જુદા જુદા લક્ષણો ધરાવતા દર્દીઓના શરીરનું પોસ્ટમોર્ટમ કરી તેના અંગોનો અભ્યાસ કરવાનું કામ એમણે શરૂ કર્યું છે. આ કામ માટે જરૂરી તમામ મંજૂરીઓ મેળવીને અત્યાર સુધીમાં 5 વ્યક્તિના ઓટોપ્સી કર્યા છે. સમગ્ર ભારતની આ બીજી અને સમગ્ર ગુજરાતની આ પ્રથમ ઘટના છે.

કોરોનાના કારણે જેમનું અવસાન થાય છે એવા દર્દીના સગા ઓટોપ્સી માટે મંજૂરી આપે તો તે દર્દી પર ઓટોપ્સી કરવામાં આવે છે. ઓટોપ્સીમા અવસાન પામેલા દર્દીના શરીરના જુદા જુદા અંગોનો કેટલોક ભાગ લેવામાં આવે છે અને પછી તેનો અભ્યાસ કરવામાં આવે છે કે કોરોના વાઇરસને કારણે આ અંગો પર કેવી અસરો થઈ છે. આ અભ્યાસના આધારે મળતી માહિતી પરથી દર્દીઓની સારવાર કરવામાં અને દર્દીને ઝડપથી રોગમુક્ત કરવામાં ઘણી મદદ મળી શકવાની સંભાવના છે.

વધુમાં વધુ દર્દીઓને બહુ ઝડપથી રોગમુક્ત કરી શકાય તે માટે ડો.હેતલ ક્યાડા અને એની ટીમ પોતાની જાતનો વિચાર કર્યા વગર માનવકલ્યાણના કામે લાગ્યા છે. હાલમાં ડો. હેતલ ક્યાડાની સાથે અન્ય બે ડોક્ટર મિત્રો ડો. દિવ્યેશ વડગામ અને ડૉ.પ્રતીક વરું ઓટોપ્સી કાર્યમાં જોડાયા છે અને જો આ મિત્રોને કોરોના સંક્રમણ થાય તો બીજા મિત્રોની ટીમ પણ તૈયાર રાખી છે. મિત્રો આપને જાણીને આશ્વર્ય થશે કે નાના માણસો પણ સંક્રમણનો ભોગ ન બને તે માટે પોસ્ટમોર્ટમ રૂમની સફાઈ કરવા માટે સફાઈ કામદારને બોલાવવાના બદલે આ ડોક્ટરો જાતે જ સફાઈ કામદાર બનીને રૂમ અને ટેબલની સફાઈ પણ કરે છે.

- text

આપણે બધા આપણા ઘરમાં આરામથી બેઠા છીએ ત્યારે આ લોકો કેવી નિષ્ઠાથી રાષ્ટ્રધર્મ અને માનવધર્મ નિભાવી રહ્યા છે એનો ખ્યાલ તમને એક નાની ઘટના પરથી આવશે. એકદિવસ ડો.હેતલ ક્યાડા રાતના લગભગ 1.30ની આસપાસ હોસ્પિટલથી ઘરે ગયા. આખા દિવસના થાક્યા પાક્યા ઘરે આવીને હજુ તો સુતા જ હતા ત્યાં 2 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાંથી કોલ આવ્યો કે એક દર્દીનું અવસાન થયું છે અને દર્દીના સગા ઓટોપ્સી માટે તૈયાર છે. અવસાન પછી અમુક સમય પસાર થઈ જાય તો અંગો પરની અસરો જાણી શકાય નહીં એટલે તાત્કાલિક ઓટોપ્સી કરવું પડે. ડો. હેતલ રાતના 3 વાગ્યે હોસ્પિટલ પહોંચી ગયા અને વહેલી સવાર સુધી ઓટોપ્સી ચાલ્યું.

ડો. હેતલ ક્યાડાને મેં પૂછયું કે ‘તમે આટલું મુશ્કેલ કામ કેવી રીતે કરી શકો છો ? તમને થાક નથી લાગતો ?’ એમણે જવાબ આપ્યો કે ‘તમે શુદ્ધ હૃદયથી અને શુદ્ધ ભાવનાથી માનવજાત માટે કોઈ કામ કરો તો પરમ શક્તિ પણ તમને મદદ કરે છે. અમને કામ કરવા માટે ભગવાન જ બળ અને પ્રેરણા આપે છે. ભગવાનની કૃપાથી અમારા ત્રણે ડોકટરોની તબિયત સારી છે અને ઝુસ્સાપૂર્વક કામ કરીએ છીએ.’

આ લોકો કોઈપણ જાતના સ્વાર્થ વગર કોરોનાની સારવારમાં મદદ મળે અને દર્દી જલ્દી સાજો થાય એવા ઉદેશથી આવુ સંશોધન કાર્ય કરી રહ્યા છે ત્યારે આપણી પણ એક પવિત્ર ફરજ છે કે આપણે પણ એમને સહયોગ આપીએ. દર્દીઓના સગાઓની મંજૂરી ન મળતી હોવાથી માત્ર 5 ઓટોપ્સી થયા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈનું કોરોનાના કારણે અવસાન ન થાય પણ જો અવસાન થાય તો આપણી નવી પેઢીની સુરક્ષા માટે એના શરીર પર ઓટોપ્સી કરવાની મંજૂરી અવશ્ય આપીએ. લોકોને પણ આ માટે જાગૃત કરીએ. એકવાતની જાણ કરી દઉં કે ઓટોપ્સી બાદ દર્દીના અંતિમ દર્શન પણ થાય છે અને પરિવારજનોની હાજરીમાં અંતિમસંસ્કાર પણ થાય છે. આ બાબતે લોકોમાં જાગૃતિ લાવીએ તો આપણી પણ સેવા થઈ જશે.

ડો. હેતલ ક્યાડા અને એની ટીમને આવા સંશોધનકાર્ય માટે શુભેચ્છાઓ સાથે વંદન.

~ શૈલેષ સગપરિયા


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text