પાક વીમામાં મોટાપાયે ભ્રષ્ટચાર થતો હોવાના વાંકાનેરના ધારાસભ્યના આક્ષેપો

- text


સરકાર પાક વીમા સંબંધિત આંકડાઓ જાહેર કરે : વીમા કંપની સાથે સાંઠગાંઠ કરી સરકાર પ્રજાના પરસેવાના પૈસા લૂંટાવે છે : મહંમદજાવેદ પીરઝાદા

વાંકાનેર : 2016થી અમલમાં આવેલી “પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના” ખેડૂતો માટે લૂંટનારી પુરવાર થઇ રહી હોવાના આક્ષેપો સાથે પાછલા 4 વર્ષોના પાકવિમાના આંકડાઓ અને હિસાબ જાહેર કરવાની વાંકાનેરના ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ માંગણી કરી છે.

કૃષિમંત્રીને લખેલા પત્રમાં વાંકાનેરના ધારાસભ્યએ આક્ષેપો કર્યા છે કે, 2016થી ખેડૂતોના કહેવાતા હિત માટે શરૂ કરાયેલી “પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના” છેતરામણી છે. ખેડૂતો આ યોજના અંતર્ગત 2 કે 5 ટકા પ્રીમિયમ ભરે છે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સયુંકત રીતે 50 ટકા જેટલું માતબર વીમા પ્રીમિયમ વીમા કંપનીઓને ચૂકવે છે. વિશ્વમાં આટલું ઊંચું વીમા પ્રીમિયમ ક્યાંય હોતું જ નથી. 50 ટકા વીમા પ્રીમિયમ મેળવવા છતાં વીમો ક્લેઇમ કરવાની સ્થિતિમાં વીમા કંપનીઓ ખેડૂતોને સમયસર અને નિયત પ્રક્રિયાને અનુસર્યા બાદ પણ પાક વીમો ચુકવવામાં ઠાગાઠૈયાં કરે છે. આ ખેડૂતો સાથે અને ટેક્સ ચુકવતા તમામ નાગરિકો સાથે છેતરપિંડી છે.

- text

વધુમાં પીરઝાદાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે ખેડૂત, ખેડૂત આગેવાનો કે વિપક્ષ દ્વારા જ્યારે પાક વીમા સંબંધિત આંકડાઓ માંગવામાં આવે છે ત્યારે એ જાહેર કરવામાં આવતા નથી આથી એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે કેન્દ્ર-રાજ્ય સરકાર અને વીમા કંપનીઓનું આ એક મોટું ષડયંત્ર છે. પીરઝાદાએ માંગણી કરી છે કે જો સરકાર અને વીમા કંપની આ બાબતે દૂધે ધોયેલી હોય તો 2016-17થી વર્ષ 2019-20 સુધીના 4 વર્ષો દરમ્યાન આંકડાઓ જાહેર કરે. ચાર વર્ષ દરમ્યાન દરેક ઋતુ તથા દરેક પાકના ક્રોપ કટિંગના તમામ 4 પત્રકો અને તેની એ.વાય અને ટી.વાય જાહેર કરવામાં આવે. આ સિવાય હાઇકોર્ટના સીટીંગ જજની બનેલી તપાસ સમિતિ દ્વારા તટસ્થ તપાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે. ક્લેઇમ થયેલી રકમ અને પાક વીમા પેટે ચૂકવેલી રકમના આંકડાઓનો મેળ બેસાડવામાં આવે. સરકાર દ્વારા આપેલા પાક.વીમાના આંકડાઓ અને તેના પરથી ચૂકવાયેલી રકમમાં ક્યાં સ્ટેજ પર ખોટું થયું છે તેની તપાસ કરવામાં આવે.

ઉપરોક્ત આક્ષેપો સહિત પાક.વીમા સંબંધિત ભ્રષ્ટચારમાં સંભવિત રીતે સંડોવાયેલા ગ્રામ સેવકથી લઈ રાજ્યના ખેતી નિયામક સુધીના તમામ પદાધિકારીઓની સામેલગીરીની તપાસ કરી જો દોષી માલુમ પડે તો ફોજદારી રાહે પગલાં ભરવામાં આવે. આ રજુઆતના અંતમાં વાંકાનેરના ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ માંગણી કરી છે કે પાછલા 4 વર્ષો દરમ્યાન જે ખેડૂતોને કાયદેસર પાક વીમો મળવા પાત્ર હતો પરંતુ હજુ સુધી નથી મળ્યો એવા તમામ ખેડૂતોને વ્યાજ સહિત પૂરી રકમનો પાક વીમો જે તે વીમા કંપની પાસેથી વસૂલી ખેડૂતોને સત્વરે ચુકવવામાં આવે.

- text