વરસાદી પાણીના યોગ્ય નિકાલને અભાવે હળવદમાં સ્થાનિકોની હાલાકી : પાલિકામાં કરાઈ રજુઆત

- text


સુનીલનગરના રહીશોએ વરસાદી પાણીના નિકાલ તેમજ રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રશ્ને કરી રજૂઆત 

હળવદ: હળવદ શહેરના વોર્ડ નંબર સાતના રહીશોએ વરસાદી પાણીના નિકાલ સહિત વિવિધ પ્રશ્નોએ પાલિકા કચેરીએ પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી વહેલી તકે સમસ્યા દૂર કરવા માંગ કરી હતી.

હળવદના વોર્ડ નંબર સાતમાં આવતા સુનીલનગર વિસ્તારમાં પાછલા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે ત્યારે આ વિસ્તારમાં દર ચોમાસામાં પાણી ભરાઇ જતા હોય સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં રોડ રસ્તા પણ બન્યા નથી તેમજ અહીં રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટો પણ નાખવામાં આવી નથી. વરસાદી પાણીના નિકાલ માટે અને વિવિધ પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ સાથે આજે આ વિસ્તારના પુરુષો અને મહિલાઓ દ્વારા પાલિકા કચેરીએ ધસી જઇ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવા માંગ કરી હતી.

આ રજુઆત દરમ્યાન હળવદ પાલિકાના પ્રમુખ રમેશભાઇ પટેલે જણાવ્યું હતું કે વોર્ડ નંબર સાતમાં આવતા સુનિલ નગર વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોને લઇ આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા. આ વિસ્તારના લોકોને જણાવાયું છે કે આપના વિસ્તારની જે કંઈ પણ સમસ્યાઓ છે તેનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હળવદ શહેરના લોકોને પડતી સમસ્યાનું વહેલી તકે અને બની શકે તેમ ઝડપથી નિરાકરણ કરવું એ અમારી પ્રાથમિક ફરજ છે.

- text

ઉક્ત વિસ્તારમાં જળ જમાવની ફરિયાદોને લઈને હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાગરભાઇ રાડિયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર સાતમાં આવતા સુનિલનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું છે તે હળવદમાં અતિભારે વરસાદ પડ્યો તેને કારણે ભરાયું છે. જોકે પાણીના નિકાલ માટે પાણીનું વહેણ હતું તે સાફ કરવામાં આવ્યું છે. સાથે જ હજુ જે પાણી ભરાયું છે તેનો વહેલી તકે નિકાલ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

- text